
ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ભારતીય જળસીમામાંથી 1800 કરોડની કિંમતના 311 પેકેટ્સ માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગુજરાત ATS દ્વારા આઠ વર્ષમાં 10277 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
ગુજરાતની જળસીમામાંથી ફરી ઝડપાયો ડ્રગ્સનો જથ્થો
ગુજરાત ATSના પોલીસ ઇંસ્પેક્ટર જે.એમ.પટેલને બાતમી મળી હતી કે પાકિસ્તાનના ફીદા નામના ડ્રગ્સ માફિયાનો 400 કિલો જેટલો ગેરકાયદેસર માદક પદાર્થનો જથ્થો પસની બંદરેથી પાકિસ્તાનની ફિશિંગ બોટમાં 12 એપ્રિલે રાતના 8 કલાકથી 13 એપ્રિલ સવારના 4 કલાક દરમિયાન પોરબંદરના IMBL નજીક ભારતીય જળ સીમામાં આવનાર છે.આ જથ્થો ચેનલ નંબર 48 ઉપર પોતાની કોલ સાઇન 'રમીઝ'ના નામથી તામિલનાડુ બાજુની કોઇ બોટને 'સાદિક'ના નામે બોલાવી તેને આપનાર છે અને તે માદક પદાર્થનો જથ્થો તામિલનાડુ ખાતે લઇ જનાર છે.
આ બાતમીના આધારે ગુજરાત ATS તથા કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓએ તરત જ ગંભીરતા લઇ આ અંગે ઓપરેશનની તૈયારી કરી હતી. આ બાતમીના ભાગરૂપે ATSના પીઆઇ. વી.એન. ભરવાડ, પીએસઆઇ બી.ડી.વાઘેલા તથા કોસ્ટગાર્ડના અધિકારીઓ ભારતની જળસીમામાં બાતમીવાળી જગ્યાએ પહોંચી વોચમાં હતા. આ દરમિયાન IMBL નજીક આ બાતમીવાળી બોટ દેખાતા તેને કોસ્ટગાર્ડની શીપ દ્વારા પકડવા જતા આ બોટ પર રહેલ ઇસમોએ બ્લુ રંગના ડ્રમ્સ દરિયામાં ફેંકી દીધા હતા તથા ઝડપથી IMBL તરફ આગળ વધવા લાગ્યા હતા.
કોસ્ટગાર્ડ દ્વારા આ પાકિસ્તાની બોટનો પીછો કરવામાં આવ્યો હતો પરંતુ આ પાકિસ્તાની બોટ IMBL ઓળંગી નાસી ગયા હતા. તે બાદ તપાસ એજન્સીઓ દ્વારા દરિયામાં ફેંકવામાં આવેલા ડ્રમ્સ રીકવર કરવામાં આવ્યા હતા.આ રીકવર કરેલ ડ્રમ્સની તપાસ કરતા તેમાં 311 પેકેટમાં આશરે 311 કિલો માદક પદાર્થ અંદાજીત આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 1800 કરોડનો જથ્થો મળી આવ્યો હતો. આ બાબતે ગુજરાત ATS ખાતે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાત ATSએ આઠ વર્ષમાં 10 હજાર કરોડથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો
ગુજરાત ATS દ્વારા વર્ષ 2018થી આજ દિન સુધી દરિયાઇ માર્ગે ફીશીંગ બોટ મારફતે ઘુસણખોરી કરવામાં આવતા 10 હજાર કરોડથી વધુના માદક પદાર્થ ઝડપવામાં આવ્યા છે. ગુજરાત ATS દ્વારા આ આઠ વર્ષમાં 20 કેસ કરવામાં આવ્યા છે જેમાં 54.54.756 કિલો માદક પદાર્થનો જથ્થો ઝડપવામાં આવ્યો છે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 10277.12 કરોડ જેટલી થાય છે.
ગુજરાત ATS દ્વારા 2018થી 2025 સુધી માદક પદાર્થ સાથે 163 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીએ પૈકી વિદેશી નાગરિકમાં સૌથી વધુ પાકિસ્તાનના છે. પાકિસ્તાનના સૌથી વધુ 77, ઇરાનના 34, અફઘાનિસ્તાનના 4, નાઇજીરિયાના 2 અને 46 ભારતીય નાગરિકો છે.