
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓના હુમલાએ દેશભરમાં હડકપ મચાવી દીધો છે. આ આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત 28 લોકોના મોત થયા હતા. આ ભયાનક હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એવામાં જમ્મુ કાશ્મીરમાં જામનગરના 60થી 70 લોકો ફસાયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. જેમાં જામનગરનો એક પરિવાર પણ ફસાયો હોવાની માહિતી મળી રહી છે.
જમ્મુ કાશ્મીરમાં અત્યારે હાલ ત્યાં ફસાયેલા જામનગરના પતિ પત્ની ત્યાંથી સુરક્ષિત રીતે શ્રીનગરથી જમ્મુ આવવા માટે રવાના થઈ ગયા છે. ત્યારબાદ ત્યાંથી ગુજરાત આવવા માટે હજુ કોઈ વ્યવસ્થા થઈ ન હોવાના સમાચાર તેમના પરિવારે આપ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, પ્રદીપભાઈ રાવલ અને તેમના પત્ની જમ્મુમાં ફસાયા હતા. પરિવારે વીડિયો કોલ મારફત તેમના ખબર અંતર પૂછ્યા હતા. જામનગરના 60થી 70 લોકો ત્યાં હોવાનો પ્રદીપભાઈ રાવલે દાવો કર્યો હતો.
પરિવારના જણાવ્યા મુજબ, તેઓ શ્રીનગરમાં મોરારીબાપુની કથા સાંભળવા માટે ગયા હતા. 7-8 દિવસની કથા હોવાથી તેમની રિટર્ન ટીકિટ 29 એપ્રિલની હતી પરંતુ હુમલાના કારણે કથા બંધ રાખવામાં આવી હતી. તેમજ શ્રીનગરમાં કોઈ વ્યવસ્થા ન હોવાથી તેમને જમ્મુ મોકલવામાં આવ્યા છે.