ઓપરેશન સિદુંર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. બુધવારે મોડી રાત્રે કાશ્મીર,પંજાબ અને રાજસ્થાન પર પાકિસ્તાને ડ્રોન એટેક જ નહીં, પણ મિસાઇલો છોડી હતી. આ જોતાં કેન્દ્ર સરકારે આદેશ કરતાં મોડી રાત્રે કચ્છમાં બ્લેકઆઉટ કરાયુ હતુ.
કચ્છ અને બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં બ્લેક આઉટ
એટલુ જ નહીં, જ્યાં સુધી નવા આદેશ ન આવે ત્યાં સુધી રોજ કચ્છમાં રાત્રે બ્લેકઆઉટ કરવામાં આવશે. યુદ્ધની સ્થિતિને જોતાં બનાસકાંઠા,પાટણ સહિતના સરહદી વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરાયુ છે. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના 12 ગામ અને વાવ તાલુકાના 12 ગામમાં પણ બ્લેકઆઉટ કરાયું છે.
જામનગરમાં મધરાત્રે બ્લેક આઉટ કરાયું
ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતી જોતા જામનગરમાં 4:30 થી 5:30 દરમિયાન એક કલાકનું બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. કોઈ ચિંતાજનક સ્થિતિ ન જણાતાં બ્લેકઆઉટ હટાવી દેવાયું હતું.
ગાંધીનગર કંટ્રોલરૂમથી સમગ્ર સ્થિતિનું મોનિટરીંગ
યુદ્ધની પરિસ્થિતિમાં કેવી સાવચેતી રાખવી તે અંગે લોકોને જ મોકડ્રીલમાં જ સમજ આપવામાં આવી હતી. ગુરૂવારે પણ સરહદી વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે રહેવા સૂચના અપાઇ હતી. બનાસકાંઠા અને પાટણના સરહદી ગામોના લોકોને પણ યુદ્ધની સ્થિતિથી વાકેફ કરી સાવચેત કરાયાં છે. કલેક્ટર સહિત સ્થાનિક તંત્ર સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યુ છે. સરહદી વિસ્તારોની ખાનગી-સરકારી હોસ્પિટલોને પણ ડોક્ટરો,પેરા મેડિકલ સ્ટાફથી સજ્જ રખાઇ છે. દવાનો પુરતો જથ્થો મોકલી દેવાયો છે. વીજપુરવઠો ખોરવાય તો વૈકલ્પિક વ્યવસ્થા પણ સ્થાનિક તંત્રે ગોઠવી દીધી છે. પાટનગર ગાંધીનગર કંટ્રોલરૂમથી સમગ્ર સ્થિતિનું મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.