આજથી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજી શરૂ થઈ છે, જેની સાથે બજારમાં કેસર કેરીના શ્રીગણેશ થયા છે. પ્રથમ દિવસે 300 બોક્સની આવક નોંધાઈ, જેમાં એક બોક્સના ભાવ 1000 થી 1500 રૂપિયા સુધી રહ્યા. આ ઊંચા ભાવનું કારણ શરૂઆતની મર્યાદિત આવક છે, પરંતુ આવતા સપ્તાહમાં કેરીની આવકમાં વધારો થવાની શક્યતા છે, જેનાથી ભાવોમાં ઘટાડો થશે.
જણાવી દઈએ કે આ વર્ષે પ્રતિકૂળ વાતાવરણને પગલે નવેમ્બર મહિનામાં માવઠાને પગલે મોર બળી જતાં આ વર્ષે દર વર્ષની સરેરાશ ઓછું ઉત્પાદન આવવાની ધારણા છે. કમોસમી વરસાદ અને શિયાળાની ઠંડી બરાબર ન જામતાં ફ્લાવરિંગ ઓછું રહ્યું છે. આ વર્ષે કેરીનું ઉત્પાદન ઘટવાની ધારણા છે.
કેસર કેરીના પાકને 30% જેટલું નુકસાન
જોકે આ વર્ષે ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે કેસર કેરીના પાકને 30% જેટલું નુકસાન થયું છે. પરિણામે, ઉત્પાદન ઓછું હોવાથી ભાવો પર પણ અસર પડી છે. નિષ્ણાતોના અંદાજ મુજબ, સિઝનની પૂર્ણતાએ એક બોક્સના ભાવ 500થી 700 રૂપિયા સુધી સ્થિર થઈ શકે છે.