
Junagadh news: જૂનાગઢ ભાજપ શાસિત જિલ્લા પંચાયતમાં ખુદ ભાજપના જ સદસ્યો અને પદાધિકારીઓના કામ ન થતા હોવાથી આંદોલનના માર્ગે ચડવાનો વારો આવ્યો છે.. સામાન્ય રીતે વિપક્ષ કોંગ્રેસ આપ આંદોલન કરતું હોય પરંતુ જૂનાગઢમાં તો ભાજપના હોદ્દેદારો અને ચૂંટાયેલા પદાધિકારીઓ આંદોલન કરવા નીકળ્યા છે.
ગત ટર્મમાં જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂકેલા શાંતાબેનના પતિ દિનેશ ખટારીયા પોતે સાવજ ડેરીના ચેરમેન છે અને સરપંચ યુનિયનના પ્રમુખ હોવાનો દાવો કરી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી દિનેશ ખટારીયા તેમના સમર્થક સદસ્યો અને ડીડીઓ વચ્ચે વહીવટી બાબતોને લઈ વિવાદ ચાલી રહ્યો છે. મુખ્યમંત્રી સહિતનાઓને રજૂઆત કરી ડીડીઓની બદલી કરાવવાની માંગ કરવામાં આવી રહી છે. બીજી તરફ ડીડીઓ પોતે તટસ્થ રીતે કડક કામગીરી કરતા હોવાથી ખોટી રીતના બદનામ કરવાના આક્ષેપ કરવામાં આવતા હોવાનો દાવો થઈ રહ્યો છે.
આ તમામ ઘટનાક્રમ વચ્ચે આજે જુનાગઢ જિલ્લાના સરપંચ એસોસીએશનના નેજા હેઠળ દિનેશ ખટારીયા સહિતના ભાજપના જ સદસ્યોએ કલેકટરને આવેદનપત્ર આપી ડીડીઓના મનસ્વી વલણમાં સુધારો થાય અને તેમની બદલી કરવાની માંગ કરી છે. બીજી બાજુ તલાટી કમ મંત્રી મંડળ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે કે ડીડીઓ દ્વારા ખોટી રીતના મંત્રીઓને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે તે અંગે પણ યોગ્ય નિરાકરણ આવે તેવી માંગ ઉઠી છે આમ ખુદ ભાજપના રાજમાં ભાજપના જ મહત્વના ગણાતા હોદ્દેદારોએ આંદોલન કરવાની ફરજ પડતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.