Junagadh News: સૌરાષ્ટ્ર પંથકમાં અવારનવાર જંગલી જાનવરો રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોય છે. એવામાં જૂનાગઢમાં એક મહાકાય મગર વાડીમાં આવી ચડ્યો હતો. જૂનાગઢના કેશોદના શેરગઢ ગામે ભાગ્યે જ જોવા મળતાં મહાકાય મગરનું વન વિભાગની ટીમે રેસ્કયું કર્યું હતું. ચોમાસાની સિઝન શરૂ થતાં નદી નાળામાં પાણીની આવક થતાં મગર વાડી વિસ્તારમાં ચડી આવ્યો હતો. મગરનું રેસ્કયુ કરાતાં વાડી માલિકે હાશકારો અનુભવ્યો હતો.
કેશોદથી પૂર્વ ક્ષેત્રિય વિસ્તારમાં પાણીના સ્તોત્ર તરીકે તળાવો અને નદી નાળા વહેતો મગર તણાઇ આવી વસવાટ કરે છે. જેને લઇ વારંવાર જમીન પર વિચરણ કરતો મગર જોવા મળે છે. આવી જ એક ઘટના શેરગઢ ગામે વાડી વિસ્તારમાં બની હતી. જયાં ભાગ્યે જ જોવા મળતો 9 ફુટની મગર આવી ચડ્યો હતો. જેથી સ્થાનિક માલિક સુભાષભાઈ ડોબરીયાએ રાત્રીના ફોરેસ્ટ વિભાગને ફોન પર જાણ કરી હતી.
વન વિભાગ અને લાયન નેચર રેસ્ક્યુ ટીમના સભ્યો તાત્કાલિક સ્થળે પહોંચી ગયાં હતાં અને સતત ત્રણ કલાક મથામણ કરી ભારેખમ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વન વિભાગ અને રેસ્કયુ ટીમના સભ્યોએ આ મગર અંદાજે 9 ફૂટ હોવાનું જણાવ્યું હતું. આ રેસ્કયુ કરાયેલ મગરને વન વિભાગને સોંપાતા તેને પાણીવાળી જગ્યામાં સુરક્ષિત સ્થળે ખસેડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.