
લાંબા સમયથી ખાલી પડેલી વિસાવદર વિધાનસભા બેઠક પર ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ હાઇકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી છે. વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણીની જીતને પડકારતી અરજી કરવામાં આવી હતી. બાદમાં ભુપત ભાયાણીએ રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી હતી. ખાલી પડેલી બેઠક બાદ પણ હાઇકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાને કારણે ચૂંટણી યોજાઇ નહતી.
શું છે વિવાદ?
વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વિસાવદરની બેઠક પર આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણીનો વિજય થયા બાદ આ બેઠક પર ઊભા રહેલા ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડીયાએ AAPના ધારાસભ્ય પર ચૂંટણીમાં ગેરરિતી કરી હોવાના આક્ષેપ કર્યા હતા અને હાઇકોર્ટમાં ઇલેક્શન પિટિશન ફાઇલ કરી હતી. હવે હાઇકોર્ટમાં અરજી કરનાર હર્ષદ રીબડીયાએ અરજી પરત ખેંચતા મામલો થાળે પડ્યો છે.
2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભુપત ભાયાણીએ ભાજપના હર્ષદ રિબડિયાને 7 હજાર 63 મતે હરાવ્યા હતા.તે બાદ ભુપત ભાયાણી AAPમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા.