
Junagadh News: ગુજરાતમાં સુરેન્દ્રનગર બાદ હવે જૂનાગઢમાંથી ગેસ ગળતરની દુર્ઘટના સામે આવી છે. જેમાં ભેંસાણમાં સેફ્ટી ટેન્ક સાફ કરતા સમયે ગેસ ગળતરથી સાળા-બનેવીના મોત નીપજ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને રામપુર ગામમાં સનસનાટી મચી જવા પામી હતી. આ ઘટનામાં મકાન માલિકને ઝેર ગેસની અસર થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગેસ ગળતરથી સાળા-બનેવીના મોત
જૂનાગઢના ભેંસાણમાં ગઈકાલે ગુરુવારે (17 એપ્રિલ, 2025) રાત્રે સેફ્ટી ટેંક સાફ કરતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ગેસ ગળતરથી સાળા-બનેવીના મોત નીપજ્યા હતા, જ્યારે મકાન માલિકને ઝેરી ગેસની અસર થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અગાઉ અરવલ્લી જિલ્લાના ધનસુરા નજીક એક કોલ્ડ સ્ટોરેજમાં મોડી રાત્રે એમોનિયા ગેસ લીકેજ થવાથી નાસભાગ મચી ગઈ હતી. સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી, પરંતુ આ દરમિયાન સતત ગેસ લીકેજ થતા ગ્રામજનોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. જ્યારે ભરૂચના દહેજમાં ગેસ ગળતરની ઘટનામાં ચાર કામદારોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું હતું.