
સુરત શહેરના કરણી સેનાના પ્રમુખને ધમકી મળી છે.ગૌ રક્ષા અને સમાજસેવાનું કામ કરતા હોવાથી ધમકી આપવામાં આવી છે. જેથી આજે કરણી સેનાના રાષ્ટ્રીય હોદ્દેદારો તેમજ ગુજરાતના હોદ્દેદારો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને તેમને જાનથી મારી નાખવાની ધમકી બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા.
ધમકી ભર્યો ફોન આવ્યો
સમયાંતરે હિન્દુ ગૌરક્ષકો અથવા તો સનાતન ધર્મની કામગીરી કરનાર લોકોને પાકિસ્તાનથી ધમકી ભર્યા ફોન આવતા હોય છે. ફરી એક વખત કરણી સેનાના સુરતના પ્રમુખને પાકિસ્તાનના નંબર પરથી વ્હોટ્સએપ કોલ આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ફોન કરનાર વ્યક્તિ સતત ફોન કરતો હતો અને ગૌ સેવા બંધ કરી દેવા માટે ધાક ધમકી આપતો હતો. ધમકી મળ્યા બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે અને જે નંબર પરથી કોલ આવ્યો હતો તેની પણ માહિતી આપી દેવામાં આવી છે.
અમારી સુરક્ષાની જવાબદારી કલેક્ટરની છે
કરણી સેનાના સુરતના પ્રમુખ શભુ સિંહે જણાવ્યું કે, 24 ડિસેમ્બરે રાત્રે મારા ઉપર પાકિસ્તાનના નંબર ઉપરથી વ્હોટ્સએપ કોલ આવ્યો હતો. ફોન કરીને કહેવામાં આવ્યું હતું કે, હું પાકિસ્તાનમાં બેઠો છું પરંતુ, ભારતમાં અમારા ઘણા માણસો છે જે તને ઘરમાં ઘૂસીને મારશે. ગૌરક્ષા કરવાનું બંધ કરી દો નહીં તો તારું મોત થશે. તેમ કહી ધમકીઓ આપવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરને અમે સમગ્ર માહિતી આપી છે અને અમારી સુરક્ષાની જવાબદારી પણ એમની છે.