Kheda News: બરોડા નજીક પાદરા પાસે સૌરાષ્ટ્રને જોડતો બ્રિજ અડધો તૂટી જતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. એવામાં ખેડા જિલ્લામાં ગળતેશ્વરનો મહીસાગર બ્રિજ લોકોના કહેવા પ્રમાણે 60 વર્ષ જુનો ખખડધજ્જ હાલતમાં છે. આ બ્રિજ ખાડાઓથી ભરાયેલો છે અને લોખંડના સળિયા તેમજ ખીલા પણ નીકળી ગયા છે.
આજુબાજુ પુલની સાઈડમાં સિમેન્ટની રેલિંગ પણ તૂટી ગઈ છે. બ્રિજની લાંબાઈ લગભગ 500 મીટર અને ઊંચાઈ લગભગ 100 ફૂટ છે. અકસ્માતો થતા હોવા છતા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની બેદરકારી સામે આવી છે. આજે આણંદ જિલ્લાના ગંભીરા પુલ જેવી પરિસ્થિતિ થવાની રાહ જોવાઇ રહી હોય તેમ દેખાઈ રહ્યું છે.
ગંભીરા બ્રિજમાં આશરે 9 વ્યક્તિઓ હોમાયા છે તેમ અહીં પણ ગમે તે સમયે મોટા અકસ્માત થવાની શક્યતા સેવાઈ રહી છે. મહીસાગર-સેવાલીયા બ્રિજ પરથી દિવસના હજારો ભારે ટ્રક, બસો, તેમજ લક્ઝરી જેવા વાહનો પસાર થતા હોય છે. બ્રિજની બિસ્માર હાલતને લઈને આવતા જતા બાઈક ચાલકો, ખટારા ચાલકો તેમજ મોટર ચાલકો આક્રોશમાં જોવા મળ્યા હતા.