
ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં ટુંડેલ ગામમાં આવેલી કોપર ફેક્ટરી પર અને ફેક્ટરીના માલિકના નિવાસસ્થાને આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે.
નડિયાદ તાલુકામાં ટુંડેલ ગામમાં આવેલી શિવમ મેટલ એલ્લોયઝ પર અને ફેક્ટરીના માલિકના નડિયાદ સ્થિત નિવાસ સ્થાને આજે સવારથી આવકવેરા વિભાગના અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આવકવેરા વિભાગના આ સર્ચ ઓપરેશનમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ સામે આવી શકે છે.
TDS અને TCSમાં ગોટાળા કરનારાઓ પર ત્રાટકવા દેશનું આવકવેરા ખાતું તૈયાર
ટીડીએસ-ટેક્સ ડિડક્શન એટ સોર્સ કે પછી ટેક્સ કલેક્શન એટ સોર્સ-ટીસીએસ કરીને તે જમા ન કરાવનારાઓ કે પછી ટીડીએસના રિટર્નમાં ખોટી વિગતો ભરનારાઓ પર ત્રાટકવાનું આવકવેરા ખાતું આયોજન કરી રહ્યું છે. ટીડીએસ કર્યાનો અને ટીસીએસ કર્યાનો આખો રેકોર્ડ સીબીડીટી પાસે આવી ગયો છે. આ પ્રકારના અંદાજે પચાસ હજાર કરદાતાઓને શોર્ટ લિસ્ટ કરી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમાંથી મોટા ભાગના લોકોએ ટીડીએસ-કરકપાત કર્યા પછી સરકારમાં નાણાં પણ જમા કરાવ્યા નથી.
આવકવેરા ધારા 1961ની કલમ 40(એ) (આઈએ)માં કોઈ પાર્ટી પેમેન્ટ કરીને તેમાં ટીડીએસ કરી લે અને સરકારમાં ટીડીએસની તે રકમ જમા ન કરાવે તો તેવા સંજોગોમાં તેને ચૂકવણાની તે રકમ ખર્ચ તરીકે બાદ જ મળતી નથી. તે ખર્ચ ડિસએલાવ કરી દેવામાં આવે છે. છતાંય તેમણે આ નાણાં જમા ન કરાવ્યા હોવાનું સીબીડીટીના ધ્યાનમાં આવ્યું છે. પરિણામે સીબીડીટીએ તેમના પર ત્રાટકવાની તૈયારી કરી લઈને તેનો અમલ કરવાની સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે. આવકવેરા કચેરીમાં ડેટાનું વિશ્લેષણ કરતી ટીમના અધિકારીઓએ ટીડીએસ-ટીસીએસમાં ગોટાળા કરનારાઓની યાદી તૈયાર કરી લીધી છે. આ પ્રકારની ગરબડ છાશવારે કરનારાઓને પહેલા ઝપટમાં લેવામાં આવશે.