
ગુજરાતના ખેડામાં કરૂણાંતિકા સર્જાઈ છે. એક જ પરિવારના ત્રણ લોકોના વીજકરંટ લાગવાના કારણે મોત નિપજ્યા છે. હાલ, સમગ્ર ઘટનાથી આખા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. બે વર્ષની દીકરી અને તેને બચાવવા ગયેલાં માતા-ભાઈનું મોત નિપજ્યું છે.
શું હતી ઘટના?
ખેડાના ઠાસરના આગરવા ગામે કરૂણાંતિકા સર્જાઈ છે. કૂવાની મોટરમાં ખેતી વિષયક જોડાણ મેળવેલું હતું. જેનો છેડો અડી જતા તેમાં કરંટ ઉદ્ભવ્યો હતો. કરંટ ચાલુ હતો તે દરમિયાન બે વર્ષની બાળકી મીરાને કૂવાની મોટરનો વીજકરંટ લાગ્યો. ત્યારબાદ 39 વર્ષીય માતા ગીતાબહેન પરમાર અને ભાઈ દક્ષેશ પરમાર તેને બચાવવા ગયા હતાં. જોકે, વીજકરંટ તીવ્ર હોવાના કારણે ત્રણેયનું શોક લાગવાના કારણે મોત નિપજ્યું હતું. આ દરમિયાન અન્ય એક લીલાબહેન નામની મહિલા ત્રણેયને બચાવવા આવી તો તે પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.
કરંટને બંધ કરી ત્રણેયના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી દેવામાં આવ્યા
કરંટને બંધ કરી ત્રણેયના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી દેવામાં આવ્યા છે. ત્રણેય મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. આ સિવાય ઈજાગ્રસ્ત લીલાબહેન હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી કુટંબીજનો તેમજ ગ્રામજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે.