Kheda News: ખેડામાં નડિયાદના બિલોદરા શેઢી નદીના બ્રિજ પર અકસ્માતમાં મજૂરનું મૃત્યુ થયું છે. R&B વિભાગની ગંભીર બેદરકારીના કારણે મજૂરનું મૃત્યુ થયું છે. નડિયાદના મહુધા રોડ પર બિલોદરા નજીક શેઢી નદી પરના ઓવરબ્રિજ પર રિપેરિંગનું કામ દરમિયાન એક દુઃખદ અકસ્માતની ઘટના બની હતી. જેમાં એક મજૂર જે બ્રિજ પર કામ કરી રહ્યો હતો ત્યાંથી લગભગ 50 ફૂટની ઊંચાઈ પરથી નીચે પટકાયો હતો. દિલીપ બિલ્ડકોન નામની એજન્સી દ્વારા બ્રિજની કામગીરી થઈ રહી છે.
કલેકટરના જાહેર નામાનો ભંગ કરવામાં આવ્યો
કલેકટરનું જાહેરનામું હોવા છતાં પણ પોલીસની હાજરીમાં વાહનોની અવરજવર યથાવત જોવા મળી હતી. પોલીસની હાજરીમાં ટુ-વ્હીલર અવરજવર કરતા નજરે પડતા હોવા છતાં પણ પોલીસે મૌન ધારણ કર્યું છે. પોતાના જીવને જોખમે મૂકી વાહન ચાલકો બ્રિજ પર અવરજવર કરી રહ્યા છે.
સ્થાનિક મજૂરોને આવડત ન હોવા છતાં લઈ જવાયા હતા
પરિવારજનો આક્ષેપો છે કે આર એન્ડ બી વિભાગ દ્વારા કોઈપણ જાતના સેફ્ટી સાધનો વગર બ્રિજ પર મજૂરી કરાઈ રહ્યા હતા. બ્રિજ પરની કામગીરી કરતા મજૂરો રજા પર હોવાથી સ્થાનિક મજૂરો કે જેને બ્રિજ પરનું કોઈ પણ કામગીરીની આવડત ન હોવા છતાં પણ બ્રિજ પર કામ કરવા લઈ જવામાં આવ્યા હતા.
આ મજૂરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ દુર્ભાગ્યવશ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં શોકની લાગણી ફેલાઈ છે. નડિયાદ રૂરલ પોલીસ તથા FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી પંચનામું કરવામાં આવ્યું હતું.