
રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને સમયાંતરે વિવિધ કારણોસર જીવન ટૂંકાવવાનાં બનાવો સામે આવી રહ્યાં છે. જામનગરના હાપામાં 15 વર્ષની એક તરુણીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ભારે ચકચાર જાગી છે. મૃતકના પિતાએ સ્કૂલના બેગમાંથી મોબાઈલ મળ્યા બાદ પુત્રીએ આપઘાત કર્યો હોવાનું પોલીસમાં નિવેદન આપ્યું છે.
તરુણીને મનમા લાગી આવતા અંતિમ પગલું ભર્યું
મળતી માહિતી અનુસાર, હાપા વિસ્તારમાં રામદેવપીરના મંદિર નજીક 15 વર્ષીય તરુણીએ આપઘાત કર્યો છે. મૃતકનું નામ દીક્ષીતા સોયગામા છે. મૃતકના પિતાએ પોલીસમાં આપેલા નિવેદન અનુસાર, શાળાના શિક્ષકે તરૂણીનો બેગ ચેક કરતા તેમાંથી મોબાઈલ મળ્યો હતો. આ દરમિયાન તરૂણીએ શિક્ષકને કહ્યું હતું કે, પિતા તથા મારી દાદીને આ બાબતની જાણ ન કરતા તે મને મારશે. આ ઘટના બન્યા બાદ સતત ગુમ સુમ રહેતી તરુણીને મનમા લાગી આવ્યું અને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથધરી છે.
પરિણીતાનો ગળાફાંસા ખાઈ આપઘાત
ઉલ્લેખનીય છે કે, જામનગરમાં સાંઢીયા પૂલ નજીકની સોસાયટીમાં રહેતી કિંજલ દેથરિયા નામની 30 વર્ષની પરિણીતાએ પોતાના ઘેર પંખાના હુકમાં દોરી બાંધી ગળાફાંસા ખાઈ આપઘાત કર્યો હતો. પોલીસના જમાવ્યાનુસાર, મૃતક કિંજલબેન પોતાના અગાઉના પરિચિત એવા વિજય વાળા સાથે મોબાઈલ ફોનમાં વાતચીત કરતા હતા, જે તેના પતિને પસંદ ન હોવાથી વાત કરવાની ના પાડતાં કિંજલબેનને માઠું લાગી આવ્યું હતું, અને પોતાની જિંદગીનો અંત લાવી દેવા માટે ગળાફાંસો ખાઈ લીધો હતો.