કચ્છના રાપરમાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડવા માટે ગયેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે. પોલીસે આ ઘટનામાં ત્રણ મહિલા સહિત 9 લોકોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીના પરિવારજનોનો પોલીસ પર હુમલો
રાપરમાં હરેશ નામેરી રાઠોડને પોલીસ પકડવા માટે ગઇ હતી. આ દરમિયાન આરોપીના પરિવારજનોએ પોલીસ પર હુમલો કર્યો હતો. આરોપીઓ વિરૂદ્ધ ફરજમાં રૂકાવટ, મહિલા પોલીસ કર્મીની છેડતી સહિતની કલમ હેઠળ ગુન્હોં નોંધવામાં આવ્યો છે. રાપર પોલીસ સ્ટેશનમાં 10 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ફરિયાદ બાદ ત્રણ મહિલા સહિત 9 આરોપીની પોલીસે અટકાયત કરી છે.
શું છે ઘટના?
રાપરમાં મારામારી સહિતના ગુનામાં બે વર્ષથી ફરાર શખ્સને પકડવા જતા પોલીસ પર આરોપીના પરિવાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ફરાર શખ્સ તેના પરિવાર પાસે આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે તેના રહેણાંક મકાન પર દરોડો પાડયો હતો. જેમાં આરોપીનાં પરિવારનાં જ ત્રણ મહિલા સહિત કુલ 9 લોકોએ પકડવા આવેલા પોલીસનાં કર્મચારીઓ સાથે બોલાચાલી કરી મહિલા કોન્સ્ટેબલની છેડતી કરી સબ ઇન્સ્પેક્ટરનો કોલર પકડી તેમની સાથે ઝપાઝપી કરી હતી અને આરોપીને ભગાડવામાં તેની મદદ કરતા તમામ પરિવારનાં ત્રણ મહિલા સહીત કુલ 10 વિરુદ્ધ પોલીસ ચોપડે ગુનો નોંધાયો છે. આ બનાવમાં એક શખ્સે મહિલા પોલીસ કોન્સ્ટેબલની છેડતી કરી હોવા અંગે પણ ફરિયાદ નોંધવામાં આવી હતી.