
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. જ્યાં એક તરફ પાકિસ્તાન ભારત પર ડ્રોન હુમલા કરીને સામાન્ય નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે. ભારત તેનો વળતો જવાબ આપે છે. જેમાં કોઈ સામાન્ય નાગરિકોને નુકસાન પહોંચાડ્યું નથી. સાથે જ પાકિસ્તાને ભારતીય બોર્ડરે સરહદ પર સેનામાં વધારો કર્યો છે. ભારતે આ અંગે આખી દુનિયાને ચેતવણી આપી છે. જેથી પરિસ્થિતિ વધુ ખરાબ થતી અટકાવી શકાય.
શુક્રવારે રાત્રે પાકિસ્તાને ફરી ડ્રોન હુમલો કર્યો
શુક્રવારે સાંજે પાકિસ્તાને ફરી એકવાર ભારત પર ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા. આ સમય દરમિયાન ભારતના S-400 એટલે કે સુદર્શન ચક્રે તેનો નાશ કર્યો. એવું કહેવાય છે કે પાકિસ્તાને 100થી વધુ ડ્રોન હુમલા કર્યા હતા, જોકે આમાં કોઈ ખાસ નુકસાનના સમાચાર નથી. જેના જવાબમાં ભારતે શનિવારે સવારે પાકિસ્તાન સામે વળતો પ્રહાર કર્યો. આ સમયગાળા દરમિયાન પાકિસ્તાનના ઘણા એરપોર્ટને નુકસાન થયું છે. પાકિસ્તાન દ્વારા પંજાબમાં એક હાઇ-સ્પીડ મિસાઇલ પણ છોડવામાં આવી હતી, જેનાથી વધારે નુકસાન થઈ શક્યું ન હતું. સેના અને વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, પાકિસ્તાન જાણી જોઈને હવાઈ મથકોને નિશાન બનાવી રહ્યું છે.
પાકિસ્તાને સરહદ પર પોતાની સેના વધારી
હવે ભારતીય સેના અને વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, પાકિસ્તાને સરહદ પર પોતાની સેના વધારી દીધી છે, જે એક પ્રકારની ઉશ્કેરણીજનક કાર્યવાહી છે. આનાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. ભારત દ્વારા સમગ્ર વિશ્વને આ અંગે ચેતવણી આપવામાં આવી છે. જો ભવિષ્યમાં પરિસ્થિતિ વધુ વણસે તો તેના માટે સંપૂર્ણપણે પાકિસ્તાન જવાબદાર રહેશે. ભારતની કોઈ જવાબદારી રહેશે નહીં.
કર્નલ સોફિયા કુરેશીએ શુક્રવારે મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાની સેના સરહદી વિસ્તારોમાં પોતાના સૈનિકો મોકલતી જોવા મળી છે. તેમણે એમ પણ કહ્યું કે, પાકિસ્તાને શ્રીનગર, અવંતિપુરા અને ઉધમપુરમાં તબીબી સંભાળ કેન્દ્રો પર હુમલો કર્યો. ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું કે પાકિસ્તાનનું આ કૃત્ય ઉશ્કેરણીજનક અને તણાવ વધારનારું છે.
ભારતે પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો
મીડિયા બ્રીફિંગ દરમિયાન ભારતીય સેનાએ ભારતમાં વાયુસેના સ્ટેશનો અને ઠેકાણાઓના વિનાશના પાકિસ્તાની દાવાઓને રદિયો આપવા માટે સમય સાથેની તસવીરો બતાવી. ભારતે કહ્યું છે કે, મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓને નુકસાન પહોંચાડવાનો પાકિસ્તાનનો દાવો સંપૂર્ણપણે ખોટો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનનો ધાર્મિક સ્થળ પર મિસાઇલ છોડવાનો દાવો વાહિયાત છે.