
કહેવાતા વિકસિત ગુજરાતની કથળેલી શિક્ષણનીતિનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. મહીસાગર જિલ્લામાં ફરી એક વખત ભાડુતી શિક્ષિકા શાળામાં ભણાવતા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જિલ્લાની આશ્રમ શાળામાં શિક્ષિકાની માતા બાળકોને ભણાવતા હોવાનો વિડિયો સામે આવ્યો છે.
મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકાના જાનવડ ગામમાં નવયુવક ગ્રામ વિસ્કસ મંડળ સંચાલિત આશ્રમ શાળામાંથી આ ઘટના સામે આવી રહી છે. ચંદ્રિકાબેન પટેલ કે જે રિટાયર્ડ શિક્ષિકા છે તે બાળકોને ભણાવતા કેમેરામાં કેદ થયા છે. ચંદ્રિકાબેન પોતાની દીકરી રીટાબેનની જગ્યા પર ૨ વર્ષથી ભણાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : સુરેન્દ્રનગરની શાળામાં આચાર્યએ ધો.7ના વિદ્યાર્થીને સ્ટીલની પાઈપ વડે માર્યો ઢોર માર
ચંદ્રિકાબેન બાળકોને ભણાવતા જોવા મળ્યા હતા જ્યાં તેમને આ અંગે પ્રશ્નો પૂછતા તેઓ આશ્રમ છોડીને ચાલ્યા ગયા હતા. ગ્રામજનોના કહેવા પ્રમાણે, રીટાબેનના પિતા આશ્રમ ટ્રસ્ટમાં સભ્ય છે જેથી તેઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે. શિક્ષણ મંત્રીના વિસ્તારમાં આવી ઘટના બનતા શિક્ષણને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. અગાઉ પણ મહિસાગર જિલ્લામાં ભાડુતી શિક્ષિકા શાળામાં ભણાવતા વીડિયો સામે આવ્યા હતા, ફરી આવી શિક્ષિકા ઝડપાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.