
દર વર્ષે નુકસાનીના ખાડે જતી એસટીને સરકારે ઉગારી લેવા એક સૂત્ર આપ્યું હતું સલામત સવારી એસટી અમારી પરંતુ જો આ જ એસટીમાં સવાર કોઈ પ્રવાસીને કંઈ થાય તો જવાબદારી કોની?... બસ આવું કંઈક બન્યું હતું વડોદરાથી લુણાવાડા આવતી એસટી બસમાં. આ બસનો ડ્રાયવર ચાલુ બસે મોબાઈલનો ઉપયોગ કરી બસમાં સવાર 45 મુસાફરોના જીવ સાથે રમી રહ્યો હતો. જેથી બસના મુસાફરોના જીવ તાળવે ચોટયા હતા.
વડોદરા શહેરથી મહીસાગર જિલ્લાના મુખ્યમથક એવા લુણાવાડા જતા સરકારી એસટી બસનો ડ્રાયવર મોબાઈલ ફોનમાં ચાલુ બસે એવો તે વ્યસ્ત બન્યો કે બસમાં રહેલા અન્ય 45 મુસાફરોની કોઈ પરવાહ ન રાખી. જો કે એસટી બસના ડ્રાયવરનો વીડિયો સોશિયલ મીડિયામાં કોઈ જાગૃત મુસાફરે વાયર કરી નાખ્યો હતો. જો ચાલુ બસે એસટી બસના ડ્રાયવર દ્વારા મોબાઈલમાં આવી રીતે વ્યસ્ત રહેતા બસ અકસ્માતનો ભોગ બની હોત તો બસમાં રહેલા કુલ 45 મુસાફરોનું શું થયું હોત? જેથી મુસાફરોએ એસટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.