
રાજ્યના મહેસાણાના વિજાપુર તાલુકાના કોલવડા ગામે 33 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. કોલવડા ગામમાં ટોપરાપાક ખાવાથી 33 લોકોને ઝાડા ઉલ્ટી થયા હતા. કોલવડા ગામમાં મંગળવારે હાઈસ્કૂલમાં ઉજવણી રાખવામાં આવી હતી. આ પ્રસંગે જમણવાર રાખવામાં આવ્યો હતો, જેમાં ટોપરાપાક બનાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: અસલી ગુજરાતનું નકલી મોડલ! :નકલી પોલીસ, જજ, અદાલત, ટોલનાકા, સચિવ બાદ હવે નકલી આર્મી કેપ્ટન
ટોપરાપાક ખાધા પછી 33 લોકોની તબિયત બગડી
આ ટોપરાપાકને દેવીપુજક સમાજના લોકોને પણ વહેંચવામાં આવ્યો હતો. ટોપરાપાક ખાધા પછી 33 લોકોને ફૂડ પોઈઝનીંગની અસર થઈ હતી. 33માંથી 16 લોકોની તબિયત વધુ લથડતા સ્થાનિક સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી હતી.
4 વર્ષના બાળકને વડનગર સિવિલમાં કરાયો રિફર
4 વર્ષના બાળકની વધુ તબિયત બગડતા તેને વડનગર સિવિલ ખાતે સારવાર માટે રિફર કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ફુડ વિભાગ એક્શનમાં આવ્યું હતું અને ટોપરાપાકનું સેમ્પલ લઇને પરીક્ષણમાં મોકલવામાં આવ્યું હતું.