
Mehsana news: સરકારી તંત્ર ગમે ત્યાંનું હોય પણ જ્યાં સુધી દુર્ઘટનાના સર્જાય અને કોઈ વ્યક્તિ મોતને ના ભેટે ત્યાં સુધી સરકારી તંત્ર ગંભીર બનતું નથી. આવું જ કંઈક મહેસાણા શહેરમાં ભમ્મરિયાનાળા નજીક મોત સમાન વરસાદી પાણીની ખુલ્લી પાઇપલાઇન જોવા મળી રહી છે.
મહેસાણા શહેર એક અને મહેસાણા શહેર બે ને જોડતા ભમ્મરિયા નાળાનો વિસ્તાર નીચાણવાળો હોવાથી વરસાદી પાણીથી જળબંબાકાર થાય છે. આ ભમ્મરિયા નાળા નજીક થતાં જળ બંબાકારને દૂર કરવા વરસાદી પાણીની લાંબી પાઇપલાઇન નાખેલી છે. આ વરસાદી પાણીનો નિકાલ કરતી આ પાઇપલાઇન ઉપર ની મુખ્ય કુંડી ખુલ્લી પડી છે.
ભમ્મરિયા નાળા નજીક ભારે વરસાદના પગલે કમ્મર સમાં પાણી ભરાઈ જાય છે અને વરસાદી પાણીની પાઇપલાઇનની કુંડી દેખાતી નથી. આ સ્થિતિમાં મોત સમાન વરસાદી પાણીની ખુલ્લી પાઇપલાઇન મુખ્ય માર્ગ ઉપર આવેલી હોવા છતાં મહેસાણા મહાનગરપાલિકાને દેખાતી નથી. જો મહેસાણા મહાનગરપાલિકા સમયસર મોત સમાન ખુલ્લી પાઇપલાઇનનું યોગ્ય સમારકામ નહીં કરે તો, વરસાદી પાણીમાંથી પસાર થતો કોઈ રાહદારી કે વાહનચાલક તણાઈને વરસાદી પાઇપલાઇનમાં પહોંચી જશે, જેથી નિર્દોષ નાગરિક મોતને ભેટવાની સંભાવના છે.