
થોડા દિવસ પહેલા સુરત સરથાણાના PSI ઉર્વશીબેન પટેલે પાટીદાર સમાજ પર ધારદાર નિવેદન આપ્યું હતું. તે વાતની સરાહના અને સમર્થન પાટીદાર સમાજના ઘણા આગેવાનો તરફથી મળ્યું છે જેમાં ભાજપના નેતા ગોરધન ઝડફિયાએ જાહે મંચ પરથી સંબોધન આપ્યું હતું જેના જવાબમાં લાલજી પટેલનું નિવેદન સામે આવ્યું છે.
મહિલા PSIને સમર્થન આપતા ગોરધન ઝડફિયાના આકરા શબ્દો
ભાજપ નેતા ગોરધન ઝડફિયાએ કડીમાં 72 ચુંવાળ કડવા પાટીદાર સમાજના સમૂહલગ્નમાં જાહેર મંચ પરથી સંબોધન આપ્યું હતું. જેમાં PSI ઉર્વશીબેન પટેલની વાતને સમર્થન આપતા કહ્યું કે, “પીળું પાણી રાખતા હોય તો તે છોડી દેજો, દીકરી અને પત્નીને પૂછી જોજો કે પરિણામ શું આવે છે, આપણે બધાએ બહારથી નહીં પણ અંદરથી સુધરી જવાની જરૂર છે. ઘરમાં પીળું પાણી રાખતા હોય તો મહેરબાની કરીને બંધ કરી દેજો.”
ગોરધન ઝડફિયાના સંબોધન મામલે લાલજી પટેલનું નિવેદન
ગોરધન ઝડફિયાએ આપેલા સંબોધન મામલે લાલજી પટેલે નિવેદન આપ્યું હતું, “સુરતમાં ઉર્વશીબેને પણ પાટીદાર સમાજના યુવાનો માટે ખૂબ જ ચિંતા કરી અને યુવાનોને વ્યસનમાં જેટલો રસ છે તેટલો સમાજ સેવામાં નથી. ગોરધનભાઈ વિધવાન અને વડીલ છે હું એમની વાત સાથે સહમત છું. અત્યારે માતા-પિતા પોતાના સંતાનોને મિલકત કેવી રીતે અને કેટલી વધારે આપી તે વિચારી રહ્યા છે. યુવાનો ને મિલકત સાથે સાથે સંસ્કાર આપવાની જરૂર છે. અત્યારે મિલકત આપવાની જરૂર નથી સંસ્કારોનું સિંચન કરવાની જરૂર છે”
પાટીદાર યુવાનો વિશે વધુમાં વાત કરતાં કહ્યું કે, “પાટીદાર સમાજ ગામડાઓમાંથી શહેરમાં આવ્યો અને અત્યારે બધા યુવાનો વિચારે છે કે અમે વિદેશમાં જઈએ. અત્યારે કોઈ ગામડામાં રહેવા તૈયાર નથી. પાટીદાર સમાજની દીકરીઓ પણ સરકારી નોકરી હોય વિદેશમાં પીઆર હોય ત્યાં જ લગ્ન કરવાની વાત કરે છે. એટલે જ ગામડાના યુવાનને અત્યારે દીકરી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. અત્યારે જમીનોની કિંમત ખૂબ જ વધી ગઈ છે. એટલે લોકો જમીન વહેચી ને ગાડીને બંગલા બનાવવા લાગ્યા છે. યુવાનોએ જમીનો વેચ્યા કરતા મહેનતથી સારું શિક્ષણ મેળવી આગળ વધવાની જરૂર છે”