
મહેસાણા શહેરના નાગલપુર વૃદ્ધાશ્રમ નજીક બાલા હનુમાન અને સાંઈબાબાની મૂર્તિઓને ખંડિત કરનારા આરોપીઓને બી ડિવિઝન પોલીસે માત્ર 48 કલાકમાં સીસીટીવીની મદદથી શોધી લીધા છે. પોલીસે આજે આરોપીઓનું ઘટના સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ભૂંડ પકડવાની કામગીરી સાથે જોડાયેલી ગેંગને રાત્રે જ પોલીસ દ્વારા રાઉન્ડઅપ કરી લીધી હતી.
મહેસાણા શહેરના બાલા હનુમાનજીના મંદિરની મૂર્તિની આંખ અને સાંઈબાબાની મૂર્તિના હોઠને ચેડાં કરી બંને મૂર્તિઓને બુધવારે રાત્રે અજાણ્યા શખ્સોએ ખંડિત કરતાં ધાર્મિક સંગઠનોમાં હોબાળો મચી ગયો હતો. બી ડિવિઝન પીઆઇ નિલેશ ઘેટીયાએ ગણતરીના કલાકોમાં આરોપીઓને પકડી પાડવાની ખાતરી આપી મામલો થાળે પાડ્યો હતો.
બીજી તરફ, પીઆઈએ બનાવેલી ડી સ્ટાફની અલગ અલગ ચાર જેટલી ટીમોએ નાગલપુર રોડ, નદી પાછળનો વિસ્તાર, જીઆઇડીસી વિસ્તાર સહિતના 15થી વધુ સીસીટીવી ફૂટેજ અને ઘટના સ્થળના સેલ આઇડી સતત તે જ જગ્યાએ બેસીને ચકાસ્યા હતા. શુક્રવારે સવારે એક ફૂટેજમાં કેટલાક શંકાસ્પદ શખ્સો નજરે પડતાં તેમની તપાસ કરીને મોડી સાંજ સુધી ઓળખ કરી ઝડપી લીધા હતા. જેથી આજરોજ પોલીસ દ્વારા ઘટના સ્થળ પર લઈ જઈ પોલીસ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.