સમગ્ર રાજ્યમાં મેઘરાજા ઓળઘોળ થયા છે. જેના પગલે નદી નાળાઓ છલકાઈ રહ્યાં છે. ત્યારે નર્મદા જિલ્લાના કરજણ ડેમના 3 ગેટ ખોલવાની ફરજ પડી છે. નર્મદા જિલ્લામાં સવારથી પડી રહેલા ભારે વરસાદને પગલે કરજણ ડેમમાં પાણીની આવક વધી છે. કરજણ ડેમનાં કેચમેન્ટ વિસ્તારમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે. કરજણ ડેમમાં પાણીની આવક 57,332 ક્યુસેક થઈ રહી છે. કરજણ ડેમની જળસપાટી 103.23 મીટરે પહોંચી છે. ડેમની જળસપાટી રૂલ લેવલને પાર જતા ડેમની સુરક્ષા માટે દરવાજા ખોલવાની ફરજ પડી છે. 3 દરવાજા ખોલી 12,157 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. કરજણ નદીમાં 12,157 પાણી છોડવામાં આવતા કરજણ બે કાંઠે વહેતી થઈ છે. કરજણ કાંઠાના 6થી 7 ગામોને સાબદા કરી દેવામાં આવ્યા છે. કરજણ ડેમ વિભાગ એલર્ટ મોડમાં મુકાયું છે.