
ગુજરાતમાં ભાજપના નેતાઓ દ્વારા રાજીનામું આપવાનો સિલસિલો યથાવતરુપે જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ મહેશ વસાવાએ રાજીનામું આપ્યું હતું એવામાં ફરી નર્મદા જિલ્લામાં નગરપાલિકાના ભાજપ સદસ્યએ રાજીનામું ધર્યું હોવાનું સામે આવ્યું છે. નર્મદા જિલ્લામાં રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નંબર 5ના ચૂંટાયેલા સદસ્ય પ્રજ્ઞેશકુમાર રામીએ ભાજપના સક્રિય સભ્યમાંથી રાજીનામું આપ્યું છે.
2021માં નગરપાલિકા વોર્ડ 5માં ચૂંટાયા હતા. નગરપાલિકામાં તેઓની કામગીરી સારી હોવા છતાં ભાજપ પાર્ટીમાં તેઓનું માનસન્માન જળવાતું ના હોવાથી તેઓએ ભાજપમાંથી રાજીનામું ધરી દેતા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. રાજપીપલા નગરપાલિકામાં ભાજપનું શાસન છે અને નગરપાલિકાના પ્રમુખ સભ્યોને સાચવી શકતા નથી તેવું લાગી રહ્યું છે.
ભાજપમાં બે દિવસમાં બે રાજીનામાં પડયા
મહેશભાઈ વસાવા માજી ધારાસભ્ય ભાજપમાં જોડાયા બાદ એક જ વર્ષમાં રાજીનામું આપી દીધું છે. જયારે રાજપીપલા નગરપાલિકાના સદસ્યએ રાજીનામું આપતા ભાજપના નેતાઓની આબરૂ ન જાય તે માટે આ નગરપાલિકાના સભ્યને સમજાવવા માટે પ્રયાસ થઈ રહ્યા છે.