
ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. ભાજપના શાસનમાં આમ જનતાના કામો થતાં નથી અને અન્યાય થઇ રહ્યો છે તેવુ કારણ ધરી મહેશ વસાવાએ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ ધરી દેતાં ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. હવે પ્રથમ વખત મહેશ વસાવાએ ભાજપમાંથી કેમ રાજીનામું આપ્યું? તેનું કારણ જણાવ્યું છે.
મહેશ વસાવાએ ભાજપમાંથી કેમ રાજીનામું આપ્યું
મહેશ વસાવાએ કહ્યું કે, ભાજપ અને કોંગ્રેસને વર્ષોથી જાણીયે છીએ. કુટુંબમાં પણ કલહ હોય, પાર્ટીમાં પણ ઝઘડા થતા હોય તેના માટે કોઇનો સહારો લેવો પડતો હોય છે. વિકાસની વાત હતી તેમાં તે (ભાજપ) ખરા ઉતર્યા નથી. અમારા વિસ્તારમાં સિંચાઇની વાત કરીએ તો નર્મદા-તાપી અમારી મા સમાન છે. સૌરાષ્ટ્ર-કચ્છ સુધી પાણી જાય છે પણ અમારા તાલુકા છે તેમને પાણી મળતું નથી. મનસુખ વસાવા સાથે ગયા હતા કે કોઇ કામ થશે પણ અમે જે જોયુ તે વિચારધારાથી અમારો મેળ પડતો નથી.
મનસુખ વસાવાની ટિપ્પણી પર શું કહ્યું?
મનસુખ વસાવાના ઉતાવળિયા પગલા પર મહેશ વસાવાએ કહ્યું કે, "એમને એમ હશે કે મહેશભાઇ થોડા થોભે તો હોદ્દો મળશે પણ અમને હોદ્દાની કોઇ પડી નથી. અમે બીટીપી જેવી પાર્ટી બનાવીને રાષ્ટ્રીય અધ્યક્ષ બની ચુક્યા છીએ. "
મહેશ વસાવા હવે શું કરશે?
ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ મહેશ વસાવાએ પોતાની આગળની રણનીતિ શું હશે તેના વિશે પણ ખુલાસો કર્યો હતો. મહેશ વસાવાએ કહ્યું કે, "લોકો માટે કામ કરીશું, લોકો માટે આંદોલન કરવું પડે તો પણ કરીશું. સિંચાઇ-શિક્ષણ-રોજગાર માટે આગળ લડતા રહીશું."