
સુરતના સચિન વિસ્તારમાં આવેલી ગુજરાત ગ્રામીણ બેંકમાં પિસ્ટલની અણીએ લૂંટ ચલાવી નાસી જનાર આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો હતો, પોલીસે આરોપી પાસેથી એક પિસ્ટલ, ૭ નંગ જીવતા કાર્ટીઝ તેમજ બેંકમાંથી લૂંટ કરેલા રોકડા રૂપિયા ૩,૩૩,૫૨૦, એક લેપટોપ સહીત કુલ ૩,૯૫,૪૨૦ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસ તપાસમાં લૂંટની કારણ પણ ચોકાવનારું સામે આવ્યું હતું
ધોળા દિવસે થઈ હતી લૂંટ
મળતી માહિતી મુજબ સુરત નવસારી રોડ પર આવેલા સ્વસ્તિક પ્લાઝાના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ગુજરાત ગ્રામીણ બેંકમાં ગત ૨૦ -૫-૨૦૨૫ ના રોજ એક હિન્દી ભાષી અજાણ્યા ઇસમેં બેંકમાં હાજર આસિસ્ટન્ટ મેનેજર તથા બેંકમાં આવેલા ગ્રાહકને પિસ્ટલ બતાવી મારી નાંખવાની ધમકી આપી બેંકના સેફ રૂમમાં બંધક બનાવીને બેંકમાંથી રોકડા રૂપિયા ૩,૭૬,૮૯૦ રૂપિયાની લૂંટ ચલાવી નાસી ગયો હતો જે બાબતે સચિન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો, ધોળા દિવસે બેંકમાં લૂંટ થઇ હોય પોલીસે અલગ અલગ ૫ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.
મુદ્દામાલ કર્યો જપ્ત
આ ગુનામાં સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે કતારગામ દરવાજા નજીક આવેલા બ્રિટીશ કબ્રસ્તાન પાસેથી આરોપી નાજીસ ઉર્ફે બબલુ મોહમદ સનઉલ્લાહ શેખ [ઉ.૨૨] ને ઝડપી પાડ્યો હતો, પોલીસે આરોપી પાસેથી એક પિસ્ટલ, ૭ નંગ જીવતા કાર્ટીઝ, બેંક લૂંટમાંથી કબજે કરેલા રોકડા રૂપિયા ૩,૩૩,૫૨૦, બે મોબાઈલ ફોન, લેપટોપ બેગ, એરબડ, વિગેરે મળીને કુલ ૩,૯૫,૪૨૦ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.
આ કારણે કરી લૂંટ
પોલીસને આરોપીએ પૂછપરછમાં કહ્યું કે, એમેઝોન પ્રાઈમની ફ્રેન્ચાઈઝી લેવી હોય ફ્રેન્ચાઈઝી માટે યુ ટ્યુબની સાઈટ પર સર્ચ કરતા કોઈ પણ પાર્સલ ડીલીવરીની ફ્રેન્ચાઈઝી લેવા માટે લગભગ દશ લાખનું રોકાણ થાય તેમ હોય અને આ ફ્રેન્ચાઈઝી લેવાથી માસિક લગભગ ૮૦થી ૯૦ લાખની કમાણી થતી હોય છે. જેથી ફ્રેન્ચાઈઝી લેવા માટે લાખો રૂપિયા સહેલાઇથી મેળવવા માટે કોઈક બેંકમાં લૂંટ કરવાનું નક્કી કર્યું હતું. લૂંટ કરવા માટે હથીયારની જરૂર હોય જેથી હથીયાર બિહારના મુંગેર ખાતેથી દીપક નામના ઇસમ પાસેથી પિસ્ટલ અને સાત કાર્ટીઝ ખરીદી કરી લઇ આવ્યો હતો. તે બાદ ગુજરાત ગ્રામીણ બેંકની રેકી કરી તા.૧૯-૫-૨૦૨૫ ના રોજ લૂંટ કરવાના ઈરાદે પિસ્ટલ સાથે બેંકમાં ગયો હતો. પરંતુ હિંમત ના થતા પરત પોતાના ઘરે ચાલી આવ્યો હતો. તે બાદ બીજા દિવસે તા.૨૦-૫-૨૦૨૫ ના રોજ ધડેલા કાવતરા મુજબ પિસ્ટલની અણીએ ૩,૭૬,૮૯૦ ના મત્તાની લૂંટ ચલાવી નાસી ગયો હોવાની કબુલાત કરી હતી.