નર્મદા ડેમની જળસપાટી હાલ 119 મીટરને પાર પહોંચીને 119.36 મીટર નોંધાઈ છે. હાલ નર્મદા ડેમમાં પાણીની આવક 36,688 ક્યુસેક છે, જ્યારે જાવક ઘટીને 8,456 ક્યુસેક રહી છે. જેના કારણે ધીમે ધીમે ડેમની સપાટી વધવા લાગી છે.વિશેષ વાત એ છે કે છેલ્લાં 24 કલાકમાં જળસપાટી 20 થી 30 સેન્ટીમીટરના દરે વધતી રહી છે. નર્મદા ડેમની સંપૂર્ણ ઊંચાઈ 138.68 મીટર છે, એટલે કે ડેમ સંપૂર્ણ રીતે ભરાવા માટે હજુ એક મહિના જેટલો સમય લાગી શકે છે. મધ્યપ્રદેશ અને ગુજરાતમાં નર્મદા નદીના કૅચમેન્ટ વિસ્તારમાં હજુ સુધી વરસાદ ઓછો નોંધાયો છે. ચોમાસાની શરુઆત હોવાથી હાલ પાણીની આવક ધીમા ગતિએ થઈ રહી છે. જોકે, ધીમે ધીમે વરસાદ વધતાં ડેમની ભરાવટની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી દિવસોમાં વરસાદમાં વધારો થવાના સંકેત છે, જેના કારણે ડેમની સપાટીમાં વધુ વધારો થવાની સંભાવના છે.