
દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામ આજે જાહેર થયા છે. જેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. ભાજપની આ જીત અને આમ આદમી પાર્ટીની હારને લઈને ગુજરાતમાં આપના ધારાસભ્યએ ટીપ્પણી કરતાં કહ્યું કે, વડાપ્રધાન મોદીના ઝંઝાવાતી પ્રચારની સાથે સાથે સરકારી મશીનરીના ઉપયોગથી ભાજપ જીત્યું છે.
ભૂલની સમીક્ષા થશે
દિલ્હીની વિધાનસભામાં 10 વર્ષ પછી આમ આદમી પાર્ટીની હાર વિષે ચૈતર વસાવાએ કહ્યું કે, અમારા દિગ્ગજ રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલ તેમજ અન્ય નેતાઓ હાર્યા છે. અમારી હારમાં અમારી કોઈ ભૂલ હશે તેના માટે અમે ચિંતન કરીશું. આમઆદમી પાર્ટી મફત વીજળી, પાણી અને એક હજાર રૂપિયા દર માસે આપતી હતી. આ યોજનાઓ આપવા છતાંય અમારી હાર થઈ છે. જ્યારે ચૂંટણીમાં પીએમના પ્રચંડ પ્રચારથી અને સરકારી મશીનરીનો ઉપયોગ કરીને ભાજપની સરકાર બની છે.
વધુ મહેનત કરીશું
આમ આદમી પાર્ટીનો કપરો સમય ચાલી રહ્યો છે તેમ કહેતા ચૈતર વસાવાએ કહ્યું કે, અમારી આશા કરતા વિપરીત પરિણામ આવ્યું છે. દિલ્હીથી અમે આગળ આવ્યા હતાં. ફરી દિલ્હીમાં મહેનત કરીને આગળ વધીશું તેમ વધુમાં ચૈતરે કહ્યું હતું.