
અકસ્માતોની સંખ્યામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે ખારેલ-રાનકૂવા સ્ટેટ હાઇવે પર ગણદેવા ગામની સીમમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિનું ગંભીર ઈજાને લઈને હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જયારે બે વ્યક્તિને ઈજા પહોંચી હતી.
ટાઈલ્સ ભરેલો ટ્રક કર્ણાટક જતો હતો
મોરબીથી ટાઈલ્સ ભરીને કર્ણાટક જતી ટ્રક લઈને મંજુનાથ સોમન્ના કુર્બા ખારેલ રાનકૂવા હાઇવે પરથી 13 મે ના રોજ રાત્રે 8 કલાકથી આસપાસ પસાર થતા હતા. દરમિયાન ગણદેવાના ગરીમટોલી ફળિયાની સામે આગળ ચાલતા અજાણ્યા વાહનને જમણી બાજુથી ઓવરટેક કરવા જતા સામેથી આવતી વાનને અડફટે ચઢાવતા અકસ્માત સર્જાયો હતો. વાન ડ્રાઈવર જગદીશભાઈ તથા અન્ય બેસેલા શૈલેષભાઈ બાબુભાઈ હળપતિ તથા મનીષભાઈ શૈલેષભાઈ હળપતિને દાઢીના ભાગે ઈજા પહોંચી હતી. જગદીશભાઈને છાતી તથા કપાળના ભાગે તથા જમણા પગે ગંભીર ઈજા પહોંચી હતી.
ટૂંકી સારવાર દરમિયાન મોત
આ તમામને ખારેલ હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. જેમાં જગદીશભાઈની ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવની વિજયભાઈ ધીરુભાઈ પટેલ એ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની તપાસ ખારેલ ચોકીના એએસઆઈ સંદીપ શ્રીરામ કરી રહ્યા છે. અકસ્માત કરનાર ડ્રાઈવરની અટક કરી હતી.