
નવસારી જિલ્લાના દાંડી બીચ પર આજે સવારે એક દુર્લભ અને શિડ્યુલ વનમાં નોંધાયેલી હમબેક ડોલ્ફિનનું મૃતદેહ મળી આવ્યું છે. ઓંજલ ગામના દરિયા કિનારે સવારે 9 વાગ્યે સ્થાનિક લોકોએ આ ડોલ્ફિનની અવસ્થાને જોયા બાદ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી.વન વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આરએફઓ હિના પટેલે જણાવ્યું કે, “અમે સ્થળ પર તરત પહોંચી ગયા હતા. ડોલ્ફિનનો મૃતદેહ હાલ લગભગ 6-7 દિવસ જૂનો લાગી રહ્યો છે. અવસ્થામાં નર્જીવનતા ના હોવાથી તેનું પોસ્ટમોર્ટમ શક્ય બન્યું નથી.”
ડોલ્ફિન છ વર્ષની હોવાનો અંદાજ
અધિકારીઓએ જણાવ્યું કે, મૃતક ડોલ્ફિન આશરે છ વર્ષ વયની હતી અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે જોવા મળતી સામાન્ય હમબેક પ્રજાતિની હતી. આ ડોલ્ફિન શિડ્યુલ-વન હેઠળ રક્ષિત છે અને બિનહાનિકારક જીવોમાંની એક માનવામાં આવે છે. પ્રાથમિક તપાસના આધારે અનુમાન છે કે ડોલ્ફિનનું મૃત્યુ દરિયામાં જ થયું હશે અને તેનું મૃતદેહ દરિયાની લહેરો સાથે તણાઈને કિનારે આવ્યું હશે. મૃતદેહ કોહવાઈ ગયેલો હોવાથી તેના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
દરિયાઈ જીવન માટે ચિંતાનો વિષય
દરિયાઈ પર્યાવરણમાં આવી ઘટનાઓ હવે સતત જોવા મળી રહી છે, જે ઈકોસિસ્ટમ પર પડતા અસરો તરફ સંકેત કરે છે. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, “આવાં દુર્લભ પ્રાણીઓનું મૃત્યુ માત્ર કુદરતી કારણોથી થતું હોય એવું નથી માનવાનુ. આ દુર્લભ પ્રજાતિઓ પર પ્રદૂષણ, ફિશિંગ એક્ટિવિટીઝ અને હવામાનમાં થતા તીવ્ર પરિવર્તનોનો પણ અસરકારક પ્રભાવ થઈ શકે છે.”હમબેક ડોલ્ફિન સામાન્ય રીતે શાંત સ્વભાવ ધરાવતી અને માનવો તથા અન્ય જીવો માટે સુરક્ષિત માનવામાં આવે છે. તે દરિયામાં ધ્વનિથી સંચાર કરતી એક અનોખી જીવોમાંની છે.