
ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તંગ પરિસ્થિતિથી લોકોમાં દેશભક્તિનો જુવાળ જોવા મળી રહ્યો છે. ત્યારે નવસારીના તમામ તાલુકા મથકોએ ગઈકાલે સિવિલ ડિફેન્સ સ્વયંસેવકોના રજિસ્ટ્રેશન માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 1106 નાગરિકોએ સ્વયંસેવક તરીકે નોંધણી કરાવી હતી.
બે દસ્તાવેજ રજૂ કરવાના રહેશે
સિવિલ ડિફેન્સમાં જોડાવા ઈચ્છતા નાગરિકો હજુ પણ નોંધણી કરાવી શકે છે. નોંધણી માટે પાસપોર્ટ સાઈઝનો ફોટો અને આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, લાઈટ બિલ કે મિલકત વેરાના પુરાવા પૈકી કોઈપણ બે દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.
તમામ નાગરિકો અરજી કરી શકે
નોંધણી માટે તાલુકા મામલતદાર કચેરીઓ, તાલુકા પંચાયત કચેરીઓ, મહાનગરપાલિકા/નગરપાલિકા કચેરી ગણદેવી/બીલીમોરા અને ડિસ્ટ્રીક્ટ યુથ ઓફિસરની કચેરી, સત્તાપીર, નવસારી ખાતે સંપર્ક કરી શકાય છે. વધુમાં, માય ભારત પોર્ટલ પર ઓનલાઈન પણ નોંધણી કરી શકાય છે. સિવિલ ડિફેન્સ સ્વયંસેવક બનવા માટે ઉમેદવાર ઓછામાં ઓછો ધોરણ 4 પાસ હોવો જોઈએ. ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જરૂરી છે. ઉમેદવાર નિરોગી, તંદુરસ્ત અને ભારતીય નાગરિક હોવો આવશ્યક છે.