ગુજરાતમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ રહી હોય તેમ સતત અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. એવામાં બનાસકાંઠા, અમદાવાદ અને સુરતમાંથી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. બનાસકાંઠામાં એક્ટિવા અને બાઈક સામસામે ટકરાયા હતા જેમાં એકનું મોત નિપજ્યું હતું. સુરતમાં પણ હાઈવે પર એક વાહનનું પંચર પડતા વાહનો એકબીજા સાથે અથડાયા હતા.
બનાસકાંઠામાં હાઈવે પર સર્જાયો ગંભીર અકસ્માત
બનાસકાંઠામાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લામાં ડીસા-પાલનપુર હાઇવે પર એક્ટિવા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઈવે પરના સર્વિસ રોડ પર એક્ટિવા અને બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 1નું મોત જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. એક્ટિવા અને બાઈક સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. CCTV ફૂટેજના આધારે અકસ્માતની વધુ વિગતો મેળવવામાં આવી રહી છે.
અમદાવાદના CTM રોડ પર કારે ટક્કર મારી
અમદાવાદમાં પણ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. જેમાં અમદાવાદ શહેરમાં સીટીએમ વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી. રસ્તાની બાજુમાં પાર્ક કરેલ એક કારને રસ્તા પર પુરપાટ ઝડપે આવતી અન્ય કાર ચાલકે ટક્કર મારી હતી. જો કે, અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આ સમગ્ર ઘટનામાં કારને ટક્કર મારતા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
સુરતમાં નેશનલ હાઈવે પર ટ્રિપલ અકસ્માત
સુરતમાં નેશનલ હાઇવે ૪૮ પર વધુ એક ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. કોસંબા ઓવરબ્રિજ પર એક બાદ એક વાહનો ભટકાયા હોવાનું સામે આવ્યું છે. લક્ઝરી બસ આગળ ચાલતા એક ટેમ્પામાં પંચર પડ્યું હતું, જેને બચાવવા જતા લક્ઝરી બસ ચાલકે એકાએક બ્રેક મારી હતી. જેને પગલે લક્ઝરી બસ પાછળ ચાલી રહેલા ઇકો કાર, ડમ્પર એક બીજા પાછળ ભટકાયા હતા. જો કે, ઇકો કારમાં સવાર 5 લોકો નો ચમત્કારી બચાવ થયો હતો. જ્યારે લક્ઝરી બસમાં સવાર મુસાફરોના શ્વાસ પણ અધ્ધર થઈ ગયા હતા. આ અકસ્માતમાં તમામ વાહનોમાં નુકસાન થયું હતું. અકસ્માતને પગલે હાઇવે પર હળવો ટ્રાફિક જામ સર્જાયો હતો.