
Panchmahal News : પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના વક્તાપુરા ગામેથી ચારધામ યાત્રાએ ગયેલા શિક્ષક દંપતિ ગુમ થતાં શહેરા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાઇ છે. પરિવારજનોએ સંપર્ક કરતાં મોબાઈલ ફોન બંધ આવતો હોવાથી દંપતિની આજદિન સુધી કોઈ ભાળ નહીં મળતા અંતે જાણવા જોગ ફરિયાદ નોંધાઈ છે.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના વક્તાપુરા ગામેથી ચારધામ યાત્રાએ ગયેલા શિક્ષક દંપતિ ગુમ થતાં અંતે જાણવા જોગ ફરિયાદ નોંધાઈ છે. પતિ-પત્ની ગત તા.૧૬/૦૫/૨૦૨૫ના રોજ શહેરા તાલુકાના વક્તાપુરા ગામે આવેલા પોતાના ઘરેથી ચારધામ યાત્રાએ જવા નીકળ્યા હતા. તેઓ ચારધામ યાત્રાએ ગયા બાદ ગત તા.૨૦મીએ સવારે તેઓ હરિદ્વારમાં હોવાની પરિવાર સાથે વાત કરી હતી, ત્યારબાદ તેઓનો મોબાઈલ બંધ આવતો હોવાથી આજદિન સુધી કોઈ ટેલિફોનિક કોન્ટેક્ટ અથવા મેસેજથી સંપર્ક થઈ શક્યો ન હતો. બંને પતિ-પત્ની ક્યાંય ગુમ થયા હોવાની જાણવા જોગ ફરિયાદ મુકેશ પટેલના પિતા શાંતિલાલ મણીલાલ પટેલે શહેરા પોલીસ મથકે નોંધાવી છે.દંપતિ ગુમ થતા પરિવારજનો ચિંતાતુર છે.શહેરા પોલીસે ગુમ થયેલ દંપતિને શોધવા માટેની તજવીજ હાથ ધરી છે.