
અંધેર નગરીને ગંડુ રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા આ કહેવતને સાર્થક કરતી એક અજીબો ગરીબ ઘટના બહાર આવી છે મળતા અહેવાલ પ્રમાણે મફાજી ગરીબ વ્યક્તિ છે અને આ શખ્સના ઝૂંપડામાં છેલ્લા બે દાયકાથી વીજળી નથી તો પણ હારીજ સ્થિત વીજ કંપનીમાં બીલો ભરે છે. ગરીબ શખ્સે વારંવાર રજૂઆત કરી તો ધાક-ધમકીઓ મળે છે તેવો આરોપ લગાવ્યો હતો.
વીજળીનો ઉપયોગ ન કરવા છતાં બિલ ભરવાની ફરજ પાડવામાં આવી
ગુજરાતના પાટણમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે્ પાટણના હારીજ તાલુકાના નવામાકા ગામે રહેતા ઠાકોર વનાસી મફાજીના કેસમાં તેમને બે દાયકાથી વીજળીનો ઉપયોગ ન કરવા છતાં બિલ ભરવાની ફરજ પાડવામાં આવી રહી છે. આ મામલો વીજ કંપનીની ગંભીર ભૂલ અને અધિકારીઓની ઉદાસીનતાને ઉજાગર કરે છે.
ઠાકોર વનાસી મફાજીએ બીપીએલ કાર્ડ હેઠળ વીજ કનેક્શન માટે અરજી કરી હતી, પરંતુ હેલ્પરની ભૂલને કારણે મીટર બીજે લગાવાયું, જ્યારે તેમના નામે ગ્રાહક તરીકે નોંધણી થઈ. આ ભૂલને કારણે તેમને વીજળી વિના બિલો ભરવાની ફરજ પડી. અભણ અને ગરીબ હોવાને કારણે તેઓ આ ગેરરીતિ સામે અસરકારક રીતે રજૂઆત કરી શક્યા નથી.
વળતર અથવા યોગ્ય વીજ કનેક્શનની માંગ
વારંવાર રજૂઆત કરવા છતાં, વીજ કંપનીના અધિકારીઓએ ધમકીઓ આપી અથવા તેમની ફરિયાદને ગંભીરતાથી લીધી નથી.પરિવાર બે દાયકાથી ખોટા બિલો ભરી રહ્યો છે અને હવે તેમને વળતર અથવા યોગ્ય વીજ કનેક્શનની માંગ છે.