
પાટણના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના MBBS પુનઃ મુલ્યાંકન ગુણ સુધારણા કૌભાંડ મામલે યુનિવર્સિટી સત્તવાળાઓએ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પાટણ બી ડીવીઝન પોલીસે 4 વિદ્યાર્થી અને બે કર્મચારી સાથે 6 સામે ફરિયાદ નોંધી હતી. જો કે, તત્કાલિન વી.સી. જે.જે. વોરાનું આ કૌભાંડમાં નામ સામે આવવા છતાં ફરિયાદમાં નામ નોંધવામાં ન આવતા મામલો ગરમાયો છે.
કૌભાંડમાં 6 લોકો સામે નોંધાઈ હતી ફરિયાદ
પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં MBBSના વિદ્યાર્થીઓના ગુણ સુધારણા મામલે એક વિદ્યાર્થી આગોતરા જામીનની અરજી કોર્ટમાં મુકશે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના 2018 MBBSના પ્રથમ વર્ષના ત્રણ વિદ્યાર્થીઓના ગુણ સુધારણા ઉત્તરવાહી બદલવાને મામલે યુનિ.ના રજીસ્ટારે કુલ છ સામે પાટણ બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ છમાંથી એક સિનિયર વિદ્યાર્થી કનુભાઈ ચૌધરીએ આગોતરા જામીન માટે પાટણ કોર્ટમાં અરજી મુકશે.
CID તપાસમાં આરોપીનું નામ હોવા છતાં ફરિયાદમાંથી બાકાત
આ સમગ્ર મામલે CID ક્રાઇમની તપાસમાં જે જે વોરાનું નામ ખૂલ્યું છતાં ફરિયાદમાં નામ નહીં નોંધાતા વિવાદ સર્જાવા પામ્યો છે. કૌભાંડમાં યુનિવર્સિટી દ્વારા નોંધાયેલ પોલીસ ફરિયાદમાં આરોપી જે. જે. વોરાનું નામ ના આવતા કાર્યવાહી પર સવાલ ઊભા થયા છે. ઉત્તરવહીમાં ગુણ સુધારામાં સરવાળામાં પણ ભૂલ અને તેમાં જે. જે. વોરા ની સહી હોવા છતાં યુનિવર્સિટી અને પોલીસ બચાવી રહી હોય તેવું લાગી રહ્યું છે.
ધારાસભ્ય કિરીટ પટેલે કૌભાંડ મામલે બાંયો ચડાવી
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આ કૌભાંડ મામલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં જણાવાયું હતું કે આ કૌભાંડ અને ફરિયાદ મામલે ડી.જી.કક્ષાએ રજુઆત કરવામાં આવશે. પોલીસ ઉચ્ચ અધિકારીઓને મળવા છતાં પણ કોઈ કાર્યવાહી નહીં થાય તો જે જે વોરાને બચાવનારા તમામ સામે કોર્ટમાં પિટિશન પણ કરવામાં આવશે.