
Patan news: પાટણ જિલ્લામાં આવેલા કુંવર ગામમાં ખાનગી કંપનીના સોલર પ્લાન્ટમાં પડેલા સોલર પ્લેટોમાં આજે સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ગણતરીના મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી જઈને વોટર બ્રાઉઝર દ્વારા આગ કાબૂ કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
મળતી માહિતી અનુસાર, પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકામાં આવેલા નાનકડા ગામ કુંવર ગામમાં આવેલા ટોરેન્ટ કંપનીના સોલર પ્લાન્ટમાં સવારે અચાનક આગ લાગી હતી. સોલાર પ્લેટોમાં આગને લીધે દૂર સુધી ધૂમાડા જોઈ શકાતા હતા. જોતજોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે આવી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. ખાનગી કંપનીમાં રહેલી સોલરની પ્લેટોમાં સન ગ્લાસ તેમજ સોલર પ્લેટો એક થપ્પાની અંદર મૂકેલી હતી.સન ગ્લાસમાં વીજ ઉત્પાદન થતાં તેને નીચે રહેલી પ્લેટમાં અગ્નિ પેદા કરી જેથી પ્લેટોને આગ લાગી હતી. જેથી સમગ્ર પ્લેટોને આગમાં લપેટમાં આવી ગઈ હતી.