
પાટણના હારીજ નગરપાલિકાના ટેક્સ સુપ્રિટેન્ડન્ટ અધિકારીને મહિલા કોર્પોરેટરના પતિએ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપતા હોબાળો મચ્યો હતો. ટેક્સ સુપ્રિટેન્ડન્ટ અધિકારીએ કોઈ કારણોસર ફોન ન ઉપાડતા ધમકી આપી હતી.
જણાવી દઈએ કે, હારીજ વોર્ડ નંબર ચારના મહિલા કોર્પોરેટરના પતિએ ટેક્સ સુપ્રિટેન્ડન્ટ અધિકારીને નજીવી બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના બની છે. આ ઘટના બાદ ટેક્સ સુપ્રીટેન્ડન્ટ ભુપેન્દ્રભાઈ ત્રિવેદીએ વોર્ડ નંબર ચારના મહિલા કોર્પોરેટરના પતિ જીતુભાઈ ભીલ સામે હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 'પંચાયત' વેબ સિરીઝમાં મહિલા સરપંચ હોય છે પરંતુ સમગ્ર વહીવટ પ્રધાન તરીકે તેના પતિ જ કરે છે. તેવી જ રીતે હારીજ વોર્ડના મહિલા કોર્પોરેટરના બદલે તેમના પતિ જ સમગ્ર વહિવટ સંભાળતા હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.