
પહેલગામ હુમલાને લઈ રાજકોટમાં વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. અમિત ચાવડાએ પહેલગામ આંતકવાદી હુમલાને વખોડ્યો છે. નિવેદન આપતાં તેમણે જણાવ્યું કે, બોર્ડરની સુરક્ષામાં સરકાર ફેલ રહી છે. જે દેશ બહારના લોકો છે તે ગેરકાયદેસર રહેતા હોય તો તેની સામે કાર્યવાહી કરવાની જ હોય, પોલીસ અને તંત્રએ કામગીરી ન કરી હોવાથી આટલા ઘૂસણખોરો ઘુસ્યા છે. કોઈ પણ દેશનો નાગરિક હોય પણ તે ગેરકાયદેસર વ્યક્તિ હોય તો તેને રહેવા દેવો ન જોઈએ.
આખો દેશ શોકાતુર છે અને ભાજપના મહિલા મોરચાએ બર્થ-ડેની ઉજવણી કરી
પહેલગામ આંતકવાદી હુમલા છતાં ભાજપના મહિલા મોરચાએ બર્થ-ડેની ઉજવણી કરી છે. તેમણે મોતનો મલાજો જાળવવો જોઈએ. આખો દેશ શોકાતુર હોય તો આવી ઉજવણી રાજકીય પાર્ટીના કાર્યકરોએ ન કરવી જોઈએ. ગઈકાલે રાજકોટના મહિલા મોરચા દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીનો બર્થ ડે ઉજવ્યો હતો અને તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા.
મનરેગા 100 કરોડનું કૌભાંડ, તેમાં ભાજપના મંત્રીની સંડોવણી
દેશમાં મનરેગાનો કાયદો સામાન્ય ગરીબ માણસને રોજગાર મળી રહે તે માટે અમલમાં મુકવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીમાં ભ્રષ્ટાચાર એક શિષ્ટાચાર થઈ ચૂક્યો છે. ગત વિધાનસભા સત્રમાં અમે મુદ્દો ઉઠાવ્યો હતો કે, મનરેગા યોજનામાં ભાજપના લોકો અને મળતિયાઓ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. તેની ન્યાયિક તપાસ કરવા માટે માંગ કરી હતી. ભાજપના મંત્રી બચુ ખાબડ સામે આક્ષેપ થયા છે તે જ સંડોવાયેલ છે. આ કૌભાંડ 100 કરોડનું છે. આ તો માત્ર બે જ ગામડાઓનું સામે આવ્યું છે. રાજ્યભરમાં મનરેગા કૌભાંડ થયું છે. આ અંગે અમે અમે ઉગ્ર આંદોલન કરીશું.