કિન્નર અખાડાએ મહામંડલેશ્વર પદ્દ પરથી મમતા કુલકર્ણીને હટાવ્યા છે. હજુ એ મુદ્દો ચર્ચામાં છે ત્યારે વધુ એક વખત મમતા કુલકર્ણી ચર્ચામાં છે. કિન્નર અખાડામાં મહામંડલેશ્વર પદે મમતા કુલકર્ણી સાથે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાની મુલાકાતનો વિડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં મમતા કુલકર્ણી શ્લોક બોલતા અને તેમની સાથે રાજકોટના ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા નજરે પડી રહ્યા છે. આ વખતના મહાકુંભમાં મમતા કુલકર્ણીને કિન્નર અખાડામાં દિક્ષા બાદ મહામંડલેશ્વર બનાવાતા સાધુસંતોમાં વિવાદ થયો હતો.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મહાકુંભમાં મમતા મહામંડલેશ્વર બન્યા બાદ ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાની મુલાકાત થઈ હતી. આ મુલાકાત- આશીર્વાદ દરમિયાન મમતા શ્લોક બોલે છે અને ભરત બોઘરા તેમની બાજુમાં ઊભા છે.
બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીને લઇને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેમને કિન્નર અખાડાના મહામંડલેશ્વરના પદેથી દૂર કરવામાં આવ્યા છે. તેમની સાથે લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને આચાર્ય મહામંડલેશ્વરના પદેથી હટાવવામાં આવ્યા છે. બંનેને અખાડામાંથી બરતરફ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી કિન્નર આખાડાના સંસ્થાપક અજય દાસે કરી છે.
અજય દાસે શુક્રવારે જાહેરાત કરી હતી કે હવે નવેસરથી કિન્નર અખાડાની રચના થશે. સાથે જ જલદી જ નવા આચાર્ય મહામંડલેશ્વરની જાહેરાત કરવામાં આવશે.
શાંભવી પીઠાધીશ્વર સ્વામી આનંદ સ્વરૂપે આ મુદ્દે વાત કરતાં કહ્યું કે, 'મમતા કુલકર્ણી પર અંડરવર્લ્ડ સાથે સંબંધો હોવાનો આરોપ છે. આ આરોપોમાંથી તેઓ મુક્ત થયા છે કે નહીં, મને ખબર નથી. તેમણે કહ્યું કે, ત્યાર બાદ પણ તેમને મહામંડલેશ્વર બનાવવા અયોગ્ય છે. કિન્નર અખાડા એક નકલી યુનિવર્સિટી છે અને ગેરકાયદેસર ડિગ્રીઓનું વિતરણ કરી રહી છે. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને સંન્યાસ આપવાનો કોઈ અધિકાર નથી.'
સ્વામી આનંદ સ્વરૂપે વધુમાં કહ્યું કે, 'કિન્નર અખાડા વિરુદ્ધ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ કેસ દાખલ થવો જોઈએ. તેમજ જો તેમને ભવિષ્યમાં કોઈ ધાર્મિક કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવશે તો અમે તેમાં સામેલ થઈશું નહીં.'
થોડા દિવસો પહેલાં મમતા કુલકર્ણીએ સંગમ તટ પર પોતાના હાથે પિંડદાન કર્યું હતું. ત્યારે કહેવામાં આવ્યું હતું કે મમતા કુલકર્ણીએ હવે યમાઇ મમતા નંદ ગિરિના નામે ઓળખાશે. જૂના અખાડની આચાર્ય લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ મમતા કુલકર્ણીને દીક્ષા આપી હતી. ત્યારબાદથી અભિનેત્રી મહાકુંભમાં કિન્નર અખાડામાં જ રહેતી હતી. અભિનેત્રી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.