Home / Gujarat / Rajkot : Challenge between Gopal Italia and Kanti Amrutia, Naresh Patel's entry into politics

ગોપાલ ઈટાલિયા-કાંતિ અમૃતિયા વચ્ચે ચેલેન્જ રાજકારણમાં નરેશ પટેલની એન્ટ્રી, બંનેને આપી આ સલાહ

ગોપાલ ઈટાલિયા-કાંતિ અમૃતિયા વચ્ચે ચેલેન્જ રાજકારણમાં નરેશ પટેલની એન્ટ્રી, બંનેને આપી આ સલાહ

હાલ ગુજરાતમાં ચૂંટણી વિના રાજકીય માહોલ ગરમાયો છે. મોરબીમાં જનતા પ્રાથમિક પ્રશ્નોને લઇને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે ચેલેન્જનું રાજકારણ શરૂ થયું છે. મોરબી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખુલ્લો પડકાર ફેંકતાં કહ્યું હતું કે 'જો ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો મોરબી આવીને ચૂંટણી લડે! જો હું હારી જઇશ તો 2 કરોડ રૂપિયા આપીશ.' તો બીજી તરફ ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જનો સ્વીકારતાં કરતાં રાજીનામાની શરત મૂકી હતી. ત્યારે આ મામલે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે નિવેદન આપ્યું છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કારણ વિના સોશિયલ મીડિયામાં વિવાદ ઉભો ન કરશો

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાને ટકોર કરતાં કહ્યું હતું કે તમે 5 વર્ષ પુરા કરો, કારણ વિના સોશિયલ મીડિયામાં વિવાદ ઉભો ન કરશો. સામજના કાર્યો પર ધ્યાન આપો. સ્થાનિક સ્તરે ઉદભવતા જનતાના પ્રશ્નોનું સમાધાન કરવાનો પ્રયાસ કરો. જે લોકો સારા કરે છે તેમના કામમાં રોડા નાખશો નહી. સમાધાનની વાત આવશે તો હું ચોક્કસ પ્રયત્ન કરીશ.

ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ સ્વીકારી

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃતિયાના પડકારનો હસતાં મોઢે સ્વિકાર કરતાં એક વીડિયો બનાવ્યો હતો. તેમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે મેં ગઇકાલે મોરબીના ધારાસભ્યનો વીડિયો જોયો તેમાં મોરબી ભાજપના ધારાસભ્ય કહે છે કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો મારી સામે ચૂંટણી લડવા આવી જાય. હું રાજીનામું આપી દઇશ અને 2 કરોડ રૂપિયા ઇનામ રૂપે આપીશ. તો મોરબીના ધારસભ્યએ આપેલી આ ચેલેન્જને સહર્ષ રાજીખુશીથી આ સ્વીકારી લઇએ છીએ. શૂર બોલ્યા ન ફરે... જો તમે શૂરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હોવ, જબાનના પાક્કા માણસ હોવ... તો આજે 10 તારીખ થઇ છે, મોડામાં મોડું 12 તારીખે 12 વાગ્યા સુધી તમારું રાજીનામું પડી જવું જોઇએ. ગોપાલ ઇટાલિયા વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે.

'પાટીલ અંકલને પૂછ્યા વિના રાજીનામું આપી દો'

આ અંગે ઈટાલિયાએ એક શરતની વાત કરતા કહ્યું કે, ‘મોરબીના ધારાસભ્ય પાટીલને પૂછવા ના જતા. પાટીલ અંકલ મારાથી ભૂલથી બોલાઇ ગયું છે, હવે હું રાજીનામું આપુ કે ન આપું. અંકલ પ્લીઝ મને માફ કરો, એવી બધી વાતો કરવાની નઇ. પાટીલને પૂછ્યા વગર જ તમારા તમારામાં હિંમત હોય, તાકાત હોય અને તમારામાં એવું ડેરિંગ હોય તો સી.આર. પાટીલની પરમિશન લીધા વગર મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં તમે રાજીનામું આપી દેજો.’

ગોપાલ ઈટાલિયાએ શું કહ્યું 

ગોપાલ ઇટાલિયાએ વીડિયોમાં વધુ વાત કરતાં જણાવ્યું હતું કે, ‘મોરબીની જનતા જાગૃત થઇ એટલે મોરબીના ધારાસભ્યના પેટમાં ગરમ તેલ રેડાયું છે. અત્યાર સુધી મોરબી જનતા અન્યાય, અત્યાચાર, શોષણ અને તાનાશાહી સહન કરી લેતી હતી, તો કોઇને તકલીફ ન હતી. પરંતુ જેવું જનતાએ બોલવાનું ચાલુ કર્યું અને રસ્તા,પાણી અને ખાડાના મુદ્દે અવાજ સહિતના મુદ્દાઓને લઇને આમ જનતાએ અવાજ ઉઠાવવાનું ચાલુ કર્યું તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાયું. 30-30 વર્ષ સુધી આ જ જનતાએ તમને મત આપ્યા અને સળંગ 30 વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા તો તમને મજા આવી અને ગલગલિયા થયા, ખુશ થયા, આનંદ આવ્યો પણ હવે એ જ જનતા પાણી, રોડ, રસ્તા મુદ્દે સવાલ કરે તો તમને ગમતું નથી.’ 

ગોપાલ ઇટાલીયાના પડકારનો જવાબ 

ઉલ્લેખનીય છે કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાના પડકારને જવાબ આપતાં કહ્યું હતું કે, ‘આવતા સોમવારે તમે આવો. તમે વિસાવદરથી રાજીનામું અને હું મોરબીથી રાજીનામું આપું. ચૂંટણી આવે એટલે આપણે બંનેએ સામસામે લડવાનું. અને જો હું હારું તો તમને 2 કરોડ આપવાના. આખા ગુજરાતમાં વિસાવદરની એક સીટ આવી એમાં આપના કાર્યકર્તાઓએ મોટો ઉપાડો લઈ લીધો છે. એક સીટમાં જ ઉશ્કેરવાના ધંધા અને જેમ તેમ બોલવાનું શરૂ કર્યું છે.’ 

Related News

Icon