
પહેલગામ હુમલાનો બદલો લેવા 7 મેના રોજ ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો ને બીજી બાજુ હેકર્સ મનપાની GIS વેબસાઇટ પર ત્રાટક્યા હતા અને રાજકોટ શહેરીજનોનો ડેટા ચોરવામાં આવ્યો હોવાની આશંકા છે. હેકર્સ દ્વારા 400 જીબીથી વધુનો ડેટા ચોરવામાં આવ્યો હોવાની આશંકા છે. મનપા સંચાલિત શાળાઓ, તમામ બ્રિજ, હોસ્પિટલો, સરકારી કચેરીઓ સહિતનો લાખો મિલકતનો ડેટા લીક થયાની આશંકા છે.
મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓએ ગુપચુપ રીતે BSNLની સાયબર સિક્યોરિટીની ટીમને જાણ કરી તાકીદે જીઆઇએસ વેબસાઇટને આઇસોલેટ કરી ડેટા લીક થયો છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે. જો કે તપાસ બાદ ડેટા ચોરાયો છે કે કેમ તે સામે આવશે. પરંતુ અંદરના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 400 જીબીથી વધુનો ડેટા ચોરાયાની આશંકા છે.
ઓપરેશન સિંદૂર કાર્યવાહી દરમિયાન જ મનપાની વેબ સાઇટ હેક થઈ હોવાનું સામે આવ્યું હતું. મનપા સાયબર સિક્યુરિટી માટે રૂ.10 કરોડ ખર્ચે છે તેમ છતાં મનપાની સાઈટ હેક કરવામાં આવી હતી. અગાઉ પણ રાજકોટ રાજપથ લિમિટેડ (સિટી બસ સંચાલન કંપની)નો ડેટા હેક કરાયો હતો. મનપા દ્વારા 2019માં GIS તૈયાર કરવા પાછળ રૂ.6 કરોડથી વધુનો ખર્ચ કરાયો છે. દર વર્ષે તેની સિક્યોરિટી પાછળ 10 કરોડનું આંધણ કરે છે. હેકર્સે રાજકોટ શહેરની તમામ ભૂગોળો સહિત 6 લાખ જેટલી પ્રોપ્રટીની સેટેલાઇટ ઇમેજનો ડેટા હેક થયાની આશંકા છે.
મનપાના ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીએ જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂરના દિવસે મહાનગરપાલિકાના જીઆઇએસ વેબસાઇટના સર્વરમાં કંઇક ગરબડ થયાનું જણાયું હતું. જીઆઈએસનું સર્વર ધીમું પડતાં તાત્કાલિક બીએસએનએલની ટીમને બોલાવીને આ સર્વર આઇસોલેટ કરાયું હતું. છેલ્લા 1 મહિના જેટલા સમયથી સર્વર પબ્લિક માટે બંધ છે. ત્રણ સાયબર સિક્યોરિટી ટીમ ડેટા તપાસી રહી છે.