
ગુજરાતના રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર આવેલી એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગી છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફાયરની ટીમ આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહી છે. આગમાં અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યું છે.
ત્રણ લોકોનું મોત
રાજકોટના 150 ફૂટ રોડ પરના એટલાન્ટિસ બિલ્ડિંગના D બ્લોકના છઠ્ઠા માળે 603 નંબરના ફ્લેટમાં આગ લાગી છે. ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ઉપરના માળે ફસાયેલા લોકોને હાઇડ્રોલિક લિફ્ટ મારફતે નીચે ઉતારી રહ્યાં છે. હાલ, ફાયરની ટીમ સાથે એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગમાં અત્યાર સુધી ત્રણ લોકોનું મોત નિપજ્યું છે, જેને નજીકની હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.
ડિલિવરી બોયનું મોત
એટલાન્ટિસ એપાર્ટમેન્ટ માં આગમાં એક મૃતકના પરિવાર આવ્યા મીડિયા સમક્ષ આવ્યા હતા. ઘટનાને પગલે મૃતકના પરિવારનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું. પીએમ રૂમ ખાતે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. મૃતક અજય મકવાણા એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં ડિલિવરી આપવા માટે આવ્યો હતો. મૃતક અજયના પરિવારમાં પત્ની અને નાની દીકરી છે. મૃતક સ્વીગિમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. ધુળેટીના પર્વને લઈને મૃતકના પત્નીએ ડિલિવરી માટે આજે જવાની ના પાડી હતી. પરંતુ મૃતક બપોરે વહેલો આવી જવાનું કહી ડિલિવરી કરવા ગયો હતો. ઘટનામાં કુલ ત્રણના મોત થયા છે તો એક બર્ન્સ વિભાગમાં સારવાર અર્થે દાખલ છે.
અન્ય 2 યુવકોના મોત
ફ્લેટમાં આગની ઘટનામાં મૃત્યુ થયેલ અન્ય બે લોકોની પણ ઓળખ થઇ ગઈ છે. આગની ઘટનામાં સ્વિગી ડિલિવરી બોય અજય મકવાણાનું મોત થયું છે. સાથે જ અન્ય બે વ્યક્તિ કલ્પેશ લેઉવા અને મયુર લેઉવા પણ આવ્યા હતા જે અન્ય વસ્તુનું પાર્સલ આપવા માટે આવ્યા હતા. આગની ઘટનામાં ત્રણેય બહારથી આવેલ વ્યક્તિઓના મોત થયા છે.
આગ લાગવાનું કારણ અકબંધ
નોંધનીય છે કે, હજુ સુધી આગ લાગવાનું કોઈ નક્કર કારણ સામે નથી આવ્યું. આગ ઓલવાયા બાદ ફાયર અને પોલીસની ટીમ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવશે.
એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગવાનો મામલે પોલીસનું નિવેદન
સમગ્ર ઘટનાને લઈ રાજકોટ DCP ઝોન 2 જગદીશ બાંગરવાનું નિવેદન સામે આવ્યું છે. તેમને જણાવ્યું કે, આગની આ ઘટનામાં 5 લોકોને ઈજા થઈ હતી. એક વ્યક્તિને નોર્મલ ઈજા હોવાનું જાણવા મળતા તેને સારવાર આપી જવા દેવામાં આવ્યા છે. અન્ય 4 વ્યક્તિમાંથી એક જે ફ્લેટમાં કામ કરતા હતા તેને સારવાર અર્થે બર્ન્સ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. અન્ય ત્રણ વ્યક્તિઓના દુઃખદ મોત નિપજ્યા છે જેમાં 1) અજય મકવાણા ૨) કલ્પેશ લેઉઆ અને 3) મયુર લેઉવાનો સમાવેશ થાય છે. મૃતક અજય મકવાણા સ્વીગિમા ડિલિવરી બોય તરીકે કામ કરે છે તે ત્યાં ડિલિવરી કરવા ગયા હતા. અન્ય બે યુવાનો કલ્પેશ લેઉઆ અને મયુર લેઉઆ બલિંકિટ એપ્લિકેશનમાં કામ કરતા હોવાનું સામે આવ્યું છે. તે બંને વ્યક્તિઓ કેમ બિલ્ડિંગમાં આવ્યા હતા તે તપાસનો વિષય છે. સમગ્ર ઘટનાને લઈ માલવિયાનગર પોલીસ મથકમાં એક્સીડેન્ટલ ડેથનો ગુનો નોંધવામાં આવ્યો છે. બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી હતી કે કેમ? બિલ્ડિંગમાં બાંધકામ સમયે સેફ્ટી નોમ્સ અને nocનું પાલન કરવામાં આવ્યું છે કે કેમ તે અંગે તપાસ કરાશે. કોઈ પણ જવાબદારને નહીં છોડવામાં આવે. આગ લાગવાનું પ્રાથમિક તારણ શોર્ટ સર્કિટનું છે, જો કે FSLનો રિપોર્ટ આવ્યા બાદ સચોટ કારણ સામે આવશે.