
રાજકોટના આજી ડેમ ચોકડી પાસે બસમાં બેસવા જતી મહિલાના સોનાના દાગીના ભરેલો ડબ્બો એક ટોળકી ચોરીને ફરાર થઈ ગઈ છે. મળતા અહેવાલ પ્રમાણે આજી ડેમ ચોકડી પાસેથી એસટી બસમાં બેસવા જતી મહિલાનો રૂ. 17.70 લાખની કિંમતનો સોનાના દાગીના સાથેનો ડબ્બો અન્ય મહિલાએ ભીડનો લાભ લઈ ચોરી લીધાની આજી ડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે. પોલીસે CCTV તપાસ્યા હતા.
રીક્ષામાં અજાણી મહિલા સાથે બેઠી હતી
લોધીકાના બાલાસર ગામે રહેતા શિતલબેન દિનેશભાઈ મેત્રા (ઉ.વ. 32)એ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, ગઈ તા. 2 ફેબુ્રઆરીનાં રોજ પુત્રી પ્રગતી અને કૌટુંબીક નણંદ ઈલાબેન સાથે ખારચીયા ગામે માસીના દિકરાનાં લગ્નમાં જવાનું હોવાથી પતિ ત્રણેયને સવારે હરીપર (પાળ) ગામ સુધી મુકી ગયા હતાં. જ્યાં તેના બે બહેન પાયલ અને મીરા અગાઉથી જ રાહ જોઈને ઉભા હતાં. ત્યાર પછી પાંચેય રીક્ષામાં બેસી કે.કે.વી હોલ સુધી આવ્યા હતાં. તે વખતે રીક્ષામાં એક અજાણી મહિલા પહેલેથી બેઠી હતી.
બસમાં ચઢતી વખતે અન્ય મહિલાઓએ કરી ધક્કામુક્કી
કે.કે.વી. હોલથી આજીડેમ ચોકડી જવા માંટે બીજી ઓટો રીક્ષામાં બેઠા હતાં. આજી ડેમ ચોકડી પહોંચ્યા બાદ ખારચીયા જવા માંટે બસમાં બેસવા ગયા હતાં ત્યારે ભીડના કારણે અજાણી મહિલાઓ તેની આજુબાજુ ધક્કામુક્કી કરતી હતી. આખરે બસમાં બેસી ગયા બાદ થોડે દુર પહોંચ્યા બાદ પોતાનું લેડીઝ પર્સ જોતા તેની ચેઈન ખુલેલી હતી.
17.70 લાખના દાગીના ચોરીને મહિલા ગેંગ ફરાર
પર્સ ચેક કરતાં તેમાંથી સોનાનાં ઘરેણાં ભરેલો ડબ્બો ગાયબ હતો. આ ડબ્બામાં સોનાનો હાર, સોનાના બે કંગન, સોનાનો ચેઈન, લેડીઝ માળા, એક જોડી બુટ્ટી, એક વીટી વગેરે મળી કુલ રૂપીયા 17.70 લાખનાં દાગીના હતાં. જેની ચોરી થઈ ગઈ હતી. આટલા દિવસ સુધી પોતાની રીતે તપાસ કરી હતી. પરંતુ કોઈ પરિણામ નહિ મળતા ગઈકાલે આજીડેમ પોલીસને જાણ કરી ફરીયાદ નોંધાવી હતી. આજીડેમ પોલીસે ગુનો દાખલ કરી તપાસ આગળ ધપાવી છે.