પ્રખ્યાત હાસ્ય કલાકાર હકાભા ગઢવીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખૂબ જ કડવો અનુભવ થયો હતો. જે અંગેનો વિડિયો પણ તેમણે શેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટર મોડાં આવે છે જેના કારણે દર્દીઓને ભારે પરેશાની વેઠવી પડે છે. ગુજરાત સરકારની સિવિલ હોસ્પિટલ છબી ખરડાઈ તેવી કામગીરી હોસ્પિટલમાં થઈ રહી છે. હકાભા ગઢવી તેમની બહેનના અકસ્માત થતાં સિટી સ્કેન દરમિયાન થયેલાં કડવાં અનુભવો જણાવ્યા હતા.
ડોક્ટરો તોછડાઈથી વાત કરતા હતા
હકાભાએ જણાવ્યું કે, મેં જાતે સિવિલ હોસ્પિટલ જઈને ડોક્ટર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. દર્દી સિરિયસ હોવા છતાં ડોક્ટરો તોછડાઈથી વાત કરતા હતા. 5 કલાક લાઈનમાં ઊભા રહ્યા ત્યારે સીટીસ્કેન થયો. જેના થકી ગરીબ માણસોની સારવાર થાય છે એવી સિવિલ હોસ્પિટલ ઉપર સરકાર થોડું ધ્યાન આપે. ખોટું બોલતો હોઉં તો સિવિલ હોસ્પિટલ જઈને લાઈનમાં ઊભેલા ગરીબ દર્દીઓને જઈને તેમની હાલાત પૂછો. સિવિલ હોસ્પિટલમાં ગરીબો- દર્દીઓનું કામ કેમ થતું હશે. હું હકાભા, કલાકાર હોવાથી એક નામ હોવા છતાં મને આટલી તકલીફ પડી તો ગરીબોનું શું થતું હશે. એક મંત્રી સાથે ફોન કરાવ્યો તો પણ આ લોકો કોઈનું સાંભળતા જ નથી. પોતાની મનમાની જ ચલાવતા હોય છે.
સિવિલ હોસ્પિટલ પર બેદરકારીનો આક્ષેપ
હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ રાજકોટ સિવિલ હોસ્પિટલ પર બેદરકારીનો આક્ષેપ કર્યા બાદ સિવિલ તંત્ર બચાવમાં આવ્યું. હકાભા ગઢવીના આક્ષેપને લઈ સિટી સ્કેન વિભાગના ડોક્ટર હિરલ હાપાનીએ ખુલાસો આપ્યો. તેમણે કહ્યું કે 25 ફેબ્રુઆરીની આ વાત છે. એક દર્દીને એનેસ્થેસિયા આપી સિટી સ્કેન ચાલી રહ્યું હતું. ત્યારે બીજા દર્દીને વચ્ચેથી લઈ ના શકાય. તે દર્દીને જરાય પણ તકલીફ પડી નથી. અને તેના અમારી પાસે જે-તે સમયના સીસીટીવી ફૂટેજ પણ છે.