
રાજ્યમાં માતા-પિતાની બેદરકારીથી વધુ એક માસૂમનું મોત થયાના અહેવાલ સામે આવ્યા છે. માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. જેમાં દોઢ વર્ષની બાળકી રમતાં રમતાં પ્લાસ્ટીકની દડી ગળી જતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં માસુમ બાળકીને વધુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. બાળકીનું અકાળે મોત નીપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
દોઢ વર્ષની માસૂમ રમતા રમતા દડી ગળી ગઈ
રાજકોટમાં મવડી વિસ્તારના ઘનશ્યામ પેરેડાઈઝમાં રહેતા પરિવારની દોઢ વર્ષની માસૂમ સાતેક દિવસ પૂર્વે પોતાના ઘરે હતી ત્યારે રમતા રમતા પ્લાસ્ટીકની દડી ગળી ગઈ હતી. માસુમ બાળકીને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી.
7 દિવસ બાદ મોત
પરિવારે ગંભીર હાલતમાં તાત્કાલીક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે ઝનાના હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન માસુમ બાળકીનું મોત નિપજ્યું હતું.ફૂલ જેવી કુમળી બાળકીના મોતથી પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો હતો.