
આપણે ત્યાં કહેવત છે કે, લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે. આ ઉક્તિમાં લોભ અને લાલચ દર્શાવે છે. જેમાં રાજકોટ શહેર સહિત ગ્રામ્યમાં
મનીપલ્સ શરાફી સહકારી મંડળી ઉભી કરી 12 ટકા વ્યાજ આપવાની લાલચ આપી 60 જેટલા લોકો સાથે રૂપિયા એક કરોડથી વધુ રકમની છેતરપિંડી કરી ઉઠામણું કરી અલ્પેશ દોંગા નામનો શખ્સ પલાયન થઈ ગયો હતો. જો કે, પોલીસે ભારે જહેમત બાદ આ અલ્પેશ દોંગાને ઝડપી લીધો હતો.
મની પલ્સ શરાફી સહકારી મંડળીના નામે અલ્પેશ દોંગા નામના શખ્સે લોકોને તોતિંગ 12 ટકાની લાલચ આપી પૈસા હડપવાનું શરૂ કર્યું હતું. આ તરફ લોકો પણ 12 ટકાની લાલચમાં આવી જઈને બેંકમાંથી સાતથી આઠ ટકા વ્યાજે લોન લઈ પૈસા આ બનાવટી શરાફી મંડળીમાં મૂકવાનું શરૂ કર્યું હતું. જો કે, અલ્પેશ દોંગા શરૂઆતના ગાળામાં ફિક્સ ડિપોઝિટના રૂપિયા લોકોને વ્યાજે આપતો હતો. આ રૂપિયાની અવેજીમાં કેટલીક મિલકત અને જમીન પણ ખરીદી કરી લીધી હતી. જો કે, સમય જતા લાલચનો અંત આખરે આવી ગયો અને અલ્પેશ દોંગા લોકોનું કરીને રફુચક્કર થઈ ગયો હતો. આ તરફ લોકોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો. જેથી લોકોએ પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે પણ આકાશ-પાતાળ એક કરીને આ બનાવટી શરાફી મંડળી ચલાવનાર અલ્પેશ દોંગા નામના શખ્સને દબોચી લઈ જેલભેગો કરી દીધો છે. જ્યારે પોલીસ અલ્પેશે લોકોનાં પૈસા મિલકત અને જમીન લીધી હતી તે તમામ ટાંચમાં લેવાની કાર્યવાહી હાથ ધરાશે.