
અમરેલીના મુંજિયાસર ગામની ઘટના બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનું પગલું ભર્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ કરવામાં આવશે. આ કાઉન્સિલિંગ મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો દ્વારા શાળાઓમાં જ આયોજિત કરવામાં આવશે. જરૂર પડે તો વિદ્યાર્થીઓના માતા-પિતાને પણ શાળામાં બોલાવીને તેમનું કાઉન્સિલિંગ કરવામાં આવશે. આ સેવા નિઃશુલ્ક પ્રદાન કરવામાં આવશે અને શાળા સંચાલકોને આ એમ.ઓ.યુ.માં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
બનાસકાંઠાના ડીસામાં બનેલી ઘટના મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના વડા ડો. યોગેશ જોગસણે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે આ ઘટનાને મોબાઈલની લત સાથે જોડીને તેના માટે વાલીઓને જવાબદાર ગણાવ્યા છે. તેમનું કહેવું છે કે મોબાઈલની લત પાછળ મોટાભાગે વાલીઓની બેદરકારી અને ધ્યાનનો અભાવ જવાબદાર હોય છે.
પ્રો. જોગસણે એમ પણ જણાવ્યું કે ઓનલાઈન ગેમિંગ આવી ઘટનાઓનું એક મુખ્ય કારણ હોઈ શકે છે. બાળકોમાં વધતી જતી ઓનલાઈન ગેમ્સની લત તેમના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી શકે છે, જે કેટલીકવાર આવી દુઃખદ ઘટનાઓ તરફ દોરી જાય છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે જો બાળકો મોબાઈલનો ઉપયોગ કરતા હોય તો વાલીઓએ તેમની હિસ્ટ્રી તપાસવી જરૂરી છે. આ રીતે બાળકો કઈ પ્રકારની સામગ્રી જુએ છે અથવા કયા પ્રકારની ગેમ્સ રમે છે તેના પર નજર રાખી શકાય છે.