રાજકોટમાં જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીને લઈને હરિભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રઘુવંશી સમાજના વિરોધના મેસેજને પગલે સ્વામિનારાયણ મંદિર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરના ભુપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા વિરપુરના સંત જલારામ અંગે જે ટિપ્પણી કરવામાં આવી છે. તેનો રોષ હવે રાજકોટ શહેરમાં પણ જોવા મળી રહ્યો છે. વડતાલ તાબા હેઠળ આવતા ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે રઘુવંશી સમાજના યુવકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રઘુવંશી સમાજના યુવકો દ્વારા જ્ઞાનપ્રકાશ સ્વામીનું પૂતળું બનાવવામાં આવ્યું હતું. પૂતળાને પાટા મારીને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. પૂતળાને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ દ્વારા પૂતળું કબજે કરી લેવામાં આવ્યું હતું.
વિરોધને પગલે પોલીસ દ્વારા રઘુવંશી સમાજના છથી સાત જેટલા યુવકોની અટકાયત પણ કરવામાં આવી હતી. વિરોધને પગલે અગાઉથી જ ભુપેન્દ્ર રોડ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મીડિયા સાથેની વાતચીતમા રઘુવંશી સમાજના યુવકોએ જણાવ્યું હતું કે, વિડિયો કોલિંગના માધ્યમથી માંગવામાં આવેલી માફી અમને મંજૂર નથી. જો જ્ઞાનપ્રકાશ સ્વામી વિરપુર રૂબરૂ આવીને માફી નહીં માંગે તો આવતીકાલે રાજકોટથી યુવાનો કાર મારફતે સુરત પહોંચશે.
સ્વામિનારાયણ સંપ્રદાયના નીલકંઠ ચરિત્ર પુસ્તકમાં ભગવાન શિવ પાર્વતીને નિલકંઠની સેવા કરતા દર્શાવામાં આવ્યા છે. જેને લઈને કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરૂએ નિવેદન આપતા કહ્યું કે, નીલકંઠ ચરિત્ર પુસ્તક BAPS સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા લખવામાં આવ્યું. આ પુસ્તકમાં ભગવાન શિવ અને માતા પાર્વતીએ માનવ રૂપ લઈ નીલકંઠ વર્ણીની સેવા કરી તેવું લખ્યું છે. જે ખરેખર વખોડવાલાયક છે. સ્વામિનારાયણ સંપ્રદાયને પોતાનું અસ્તિત્વ જાળવવા પુસ્તકોમાં હિન કક્ષાએ લખવું પડી રહ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયને નાણાં અને જમીન કૌભાંડો કરવામાં રસ હોય છે. ભાજપને મત આપવા માટેની અપીલ સ્વામિનારાયણ સંપ્રદાય કરે છે. આવું કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો સનાતન ધર્મને લજવી રહ્યા છે.