
ભાજપશાસિત રાજકોટ મહાપાલિકામાં આજે વાર્ષિક અંદાજપત્ર કરતાં પણ વધુ ચર્ચા મેયરના પ્રયાગરાજ પ્રવાસની રહી હતી. શહેરનાં મહિલા મેયર નયનાબેન પેઢડિયા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમને ફાળવાયેલી સત્તાવાર ઈનોવા કારમાં પોતોના પતિ, ભાજપના અન્ય મહિલા અગ્રણી અને સાથી કોર્પોરેટર વગેરેને લઈને કુંભસ્નાન કરવા ગયેલાં છે, જ્યાં ખાસ તો મેયરની કાર પર કપડાં સૂકવાયાં હોય એવી તસવીરો બહાર આવતાં પદની ગરિમા ઓઝપાયાનો ગણગણાટ શહેરભરમાં પ્રવર્તી ગયો હતો.
6થી 12 સુધી પ્રયાગરાજ પ્રવાસે ગયાં
મેયર નયનાબેન પેઢડિયા તેમને હોદ્દાની રૂએ ફાળવાયેલી GJ-3 GA 2020 નંબરવાળી ઈનોવા કાર લઈને તા. 6થી 12 સુધી પ્રયાગરાજ પ્રવાસે ગયાં છે, જેમાં તેમની સાથે તેમના પતિ વિનોદ પેઢડિયા, ભાજપ મહિલા મોરચાનાં પ્રમુખ કિરણબેન માકડિયા, મેયરના જ વોર્ડના અન્ય કોર્પોરેટર કંકુબેન ઉઘરેજિયા તથા અન્ય મહિલાઓ મળી કુલ 7 વ્યક્તિ સામેલ છે.
તસવીરો સવારથી સોશિયલ મીડિયામાં વાયરલ
પ્રયાગરાજમાં ગુજરાત પેવેલિયન બહાર એ ઈનોવા કારના રીઅર ડોર પર કપડાં સૂકવાયેલા હોય એવી તસવીરો સવારથી સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ સત્તાવાર કારના અણછાજતા ઉપયોગને લઈને ચર્ચાઓ વ્યાપ્ત બની હતી.
આ વિવાદને લઈને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે કહ્યું કે 'મેયર સહિતના પદાધિકારીઓ મ્યુનિસિપલ કમિશનરની આગોતરી મંજૂરી મેળવીને કાર અંગત પ્રવાસે લઈ જઈ શકે છે, જેમાં ગુજરાત બહારનો જેટલો પ્રવાસ થાય એટલાં પૂરતું પ્રતિ કિલોમીટર 2 રૂપિયા લેખે રકમ તેમણે મનપાને ચૂકવવાની રહે છે.
નયનાબેને કમિશનરની મંજૂરી મેળવી છે એટલે એ રીતે કશું ગેરકાયદે નથી પરંતુ સત્તાવાર કાર પર કપડાં સૂકવવા બાબતે હું વ્યક્તિગત રીતે કબૂલું છું કે એ ગેરવ્યાજબી છે, સરકારી ગાડીનો આવો ઉપયોગ ન જ થવો જોઈએ. ઉપરાંત, કોઈપણ પદાધિકારીને પણ સત્તાવાર કાર એ જ ભાવે અપાવી જોઈએ, જે મુજબના ભાડાં બજારમાં વસૂલાતા હોય. આ માટે ભવિષ્યમાં ઠરાવ કરાશે.'