Home / Gujarat / Rajkot : To boost natural farming, a farmer from Bordi Samadhiyala created a cow urine bank

Rajkot news: પ્રાકૃતિક ખેતીને વેગ આપવા બોરડી સમઢિયાળાના ખેડૂતે બનાવી ગૌમૂત્ર બેંક

Rajkot news: પ્રાકૃતિક ખેતીને વેગ આપવા બોરડી સમઢિયાળાના ખેડૂતે બનાવી ગૌમૂત્ર બેંક

પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા રાજ્ય સરકાર દ્વારા વિવિધ રીતે ખેડૂતોને  પ્રોત્સાહન આપવા સહાય કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામના ખેડૂત રાજુભાઈ પટોળીયાએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વ્યવહારુ રીતે પડતી મુશ્કેલીઓ વિશે જાણી વિશિષ્ટ બેંકની રચના કરી છે. રાજુભાઈ પટોળીયાએ પોતાના ત્રણ એકરના ખેતરમાં પ્રાકૃતિક ખેતી સાથે જ ગૌમુત્ર બેંક બનાવી ગૌમુત્ર અર્ક તૈયાર કરે છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વર્ષ ૨૦૧૧માં પ્રાકૃતિક ખેતીના પાઠ ભણેલાં રાજુભાઈ પટોળીયાએ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે અવિરત પ્રયાસો કર્યા. ખેડૂતોની મુલાકાત સમયે તેમને જાણવા મળેલા પ્રશ્નોમાં ગાયના નિભાવનો પ્રશ્ન પણ હતો. જેને ધ્યાને લઈને રાજુભાઈએ પોતાના ખેતર "પોષણ પ્રાકૃતિક ફાર્મ" ખાતે ગૌમુત્ર બેંક બનાવી. આ બેંકમાં આસપાસના ખેડૂતો ૧૦ રૂપિયા પ્રતિ લીટર પોતાની ગાયનું ગૌમુત્ર વેચી શકે છે. ગૌમૂત્ર વેચાણથી પણ પશુપાલકને વધારાની આવક મળી રહેતા ગાયના નિભાવમાં મદદરૂપ બની રહી છે. 

રાજુભાઈએ જણાવ્યું હતું કે, ૨૦૧૧થી પ્રાકૃતિક ખેતી કરતા હતા. આ દરમિયાન ૨૦૨૪માં રાજકોટ જિલ્લામાં આત્મનિર્ભર ગૌ -પ્રાકૃતિક સમૂહ બનાવ્યો. તેમાં અનેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે સતત શિબિરો કરી જોડવાના પ્રયાસો કર્યા. ખેડૂતોને મદદરૂપ થવા માટે ગૌમૂત્ર બેંક ચાલુ કરી.આ ગૌમૂત્ર બેંકમાં ગૌમુત્રની ખરીદી કરી તેનાથી પંચગવ્યના વિવિધ ઉત્પાદનો બનાવવામાં આવે છે. ખેતર ખાતે ખાસ કરવામાં આવેલી વ્યવસ્થામાં બોઇલરમાં ગૌમૂત્ર અને વનસ્પતિના પાનના મિશ્રણને ઉકાળી નિસ્યંદન પ્રક્રિયા દ્વારા પ્રાકૃતિક અર્ક બનાવવામાં આવે છે. આ અર્ક પ્રાકૃતિક દવા સ્વરૂપે ખેડૂતો કે કિચન ગાર્ડન કરતાં કોઈપણ પ્રાકૃતિક ખેતી પ્રેમી લોકોને વેચવામાં આવે છે. આમ, ગૌમૂત્ર ખરીદી દ્વારા તો ખેડૂતોને મદદરૂપ થવા સાથે પ્રાકૃતિક દવાઓ તૈયાર કરી ખેડૂતોને આપવાથી નાના અને અતિ વ્યસ્ત ખેડૂતોનો સમય બચે છે. 

ગૌમૂત્ર અર્ક અને પ્રાકૃતિક દવાઓ વિશે રાજુભાઈએ કહ્યું હતું કે, ગૌમુત્ર ઉપરાંત પાણી અને ગોળની નિયત માત્રા સાથે લીંબુ, કેસુડાના ફૂલ, બિલી વગેરેના જૈવ રસાયણ પણ બનાવવામાં આવ્યા છે. જેમાં પોષણ અર્ક, કુચલા અર્ક, નિમાસ્ત્ર, પુષ્પ રસાયણ જેવા પાંચ પ્રકારના જૈવ રસાયણોનો ખેતીમાં ફુલ આવવા સમયે કે પાન પીળા પડી જવાના સમયે ખેડૂતો સ્પ્રે કરીને કે જમીનમાં પિયતમાં આપીને સારું પરિણામ મેળવી શકે છે. અનોખી પહેલ સાથે પ્રાકૃતિક ખેતીમાં સહાયક બનતી આ ગૌમૂત્ર બેંકથી આજે જેતપુર તાલુકાના અનેક ગામના ખેડૂતોને ગૌનિભાવમાં સહાય સાથે માર્ગદર્શન અને પ્રાકૃતિક ખેતીને વેગ મળી રહ્યો છે.

Related News

Icon